અનુભવી અતિશયોક્તિ ભલે હોય છે એમ હું માનું છું. પણ આ વિદુષી બાઈની એક વાત મને ગળે ઊતરી. એ કહે છે કે ટેબલ માઉન્ટન કેપટાઉનનિવાસીના મિત્રનો અર્થ સારે છે, એ બહુ ઊંચો નહીં હોવાથી બિહામણો નથી લાગતો. લોકોને તેનું દૂરથી જ પૂજન નથી કરવું પડતું, પણ એ પહાડમાં જ પોતાનાં ઘર કરીને વસે છે, અને કેવળ દરિયાકિનારે હોવાથી સમુદ્ર પોતાના સ્વચ્છ જળથી હંમેશાં તેનું પાદપૂજન કરે છે અને ચરણામૃત પીએ છે. નિર્ભય થઈને બાળકો અને વૃદ્ધ સ્ત્રીઓ તેમ જ પુરુષો લગભગ આખા પહાડમાં ફરી શકે છે, અને હજારો શહેરીઓના અવાજથી આખો પહાડ પ્રતિદિન ગુંજી ઊઠે છે. એમાં વિશાળ ઝાડો, સુગંધી અને રંગબેરંગી પુષ્પો આખા પહાડને એટલો બધો શણગારે છે કે માણસને જોતાં અને ફરતાં તૃપ્તિ જ ન થાય.
દક્ષિણ આફ્રિકામાં ગંગા-જમનાની સાથે સરખામણી કરી શકાય એવી મોટી નદીઓ નથી. થોડીઘણી છે તે પ્રમાણમાં નાની ગણાય. એ દેશમાં ઘણે ઠેકાણે નદીનાં પાણી પહોંચતાં જ નથી. ઉચ્ચ પ્રદેશોમાં નહેરો પણ કયાંથી લઈ જઈ શકાય ? અને જયાં દરિયા જેવી નદીઓ ન હોય ત્યાં નહેરો કયાંથી હોઈ શકે ? દક્ષિણ આફ્રિકામાં જ્યાં જ્યાં પાણીની તંગી કુદરતે કરી મૂકી છે ત્યાં પાતાળિયા કૂવા ખોદીને તેમાંથી ખેતરોને પાઈ શકાય એટલું પાણી પવનચકકીઓ અને વરાળયંત્રોની મારફતે ખેંચવામાં આવે છે. ખેતીને ત્યાંની સરકાર તરફથી પુષ્કળ મદદ મળે છે. ખેડૂતોને સલાહ આપવાને સરકાર ખેતીના વિજ્ઞાનશાસ્ત્રીઓ મોકલે છે. ઘણે ઠેકાણે સરકાર પ્રજાને અર્થે ખેતીના અનેક અખતરાઓ કરે છે. નમૂનાનાં ખેતરો રાખે છે, લોકોને ઢોરની અને બિયાંની સગવડ કરી આપે છે, ઘણે અોછે દામે પાતાળિયા કૂવા શરાવી આપે છે અને તેનું મૂલ્ય હપતાઓથી ભરી આપવાની સગવડ ખેડૂતોને દે છે. એ જ પ્રમાણે ખેતરોને સરકાર લોખંડના કાંટાળા વાળાની વાડ પણ કરાવી આપે છે.
દક્ષિણ આફ્રિકા ભૂમધ્યરેષાથી દક્ષિણે છે અને હિંદુસ્તાન ઉત્તરે છે તેથી ત્યાંનું બધું વાતાવરણ હિંદીઓને અવળું લાગે. એટલે ત્યાંની ઋતુઓ પણ અવળી. જેમ કે આપણે ત્યાં ઉનાળો હોય ત્યારે