પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લડત ચાલી શકી, પણ નાગાપન જેવા સિપાહી ન મળ્યા હોત નો લડાઈ ચાલી શકત ?

જેમ નાગાપનનું મૃત્યુ જેલના દુ:ખથી થયું તેમ નારાણસામીનું દેશનિકાલ થતાં થયું. તેને દેશનિકાલની હાડમારી મૃત્યુરૂપ નીવડી. અા બનાવોથી કામ હારી નહીં, પણ નબળા માણસો તેમાંથી ખસ્યા. નબળા પણ યથાશક્તિ ભોગ આપી ચૂકયા. નબળા જાણી તેમની અવગણના ન કરીએ. એવો રિવાજ પડી ગયો છે કે આગળ વધનારા પાછળ રહેનારનો તિરસ્કાર કરે છે ને પોતાને ભારે માને છે. હકીકત તો ઘણી વાર તેથી ઊલટી હોય છે. જેની પાસે પચાસ રૂપિયા આપવાની શક્તિ હોય તે પચીસ રૂપિયા આપી બેસી જાય ને પાંચની શક્તિવાળો પૂરા પાંચ આપે, તો પાંચ આપનારે વધારે અાપ્યું એમ જ આપણે ગણીશું. છતાં પચીસ આપનાર પેલા પાંચ આપનારની સામે ઘણી વાર કુલાય છે. પણ આપણે સમજીએ છીએ કે તેને ફુલાવાનું કંઈ જ કારણ નથી. તેમ જ પોતાની નબળાઈને લીધે આગળ નહીં ચાલનાર જો પોતાની બધી શક્તિ વાપરી ચૂકયો હોય, તો મન ચોરનાર ભલે માપ જોતાં વધારે શક્તિ વાપરતો હોય છતાં તેના કરતાં પેલો વધારે યોગ્ય છે. તેથી જેઓ લડત સખત થતાં ખસી ગયા તેમણે પણ દેશસેવા તો કરી જ. હવે એવો વખત આવ્યો કે જ્યારે વધારે સહનશક્તિની ને વધારે હિંમતની જરૂર હતી. તેમાં પણ ટ્રાન્સવાલના હિંદીઓ પાછા ન પડ્યા. લડત ચલાવવાને સારુ જોઈએ તેટલા તો રહ્યા જ.

પણ અામ દિવસે દિવસે લોકોની કસોટી થતી ચાલી, હિંદીઓ જેમ વધારે બળ બતાવવા લાગ્યા તેમ સરકારે પણ વધારે બળ વાપર્યું, તોફાની કેદીઓને અથવા જેમને ખાસ નમાવવા હોય એવાને સારુ હમેશાં કેટલાંક ખાસ કેદખાનાં રાખવામાં આવે છે; તેમ ટ્રાન્સવાલમાં પણ હતું, આવા એક કેદખાનાનું નામ 'ડાયક્લુફ' હતું. ત્યાંનો દરોગો પણ સખત, ત્યાંની મજૂરી પણ સખત. છતાં તેને પણ પૂરા પડે તેવા કેદીઓ મળી ચૂકયા. તેઓ મજૂરી કરવા તૈયાર હતા પણ અપમાન સહન કરવા તૈયાર ન હતા. દરોગાએ તેમનું અપમાન કર્યું એટલે તેઓએ ઉપવાસ શરૂ કર્યા. શરત આ હતી :