પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરી વધારે સ્વતંત્રતા ચાહતા હતા. જનરલ હર્ટઝોગ બ્રિટિશ સંબંધ તદ્દન નાબૂદ કરવા ઇચ્છતા હતા. બીજાઓ બ્રિટિશનો નામનો સંબંધ પસંદ કરતા હતા. અંગ્રેજો સંબંધનો સંપૂર્ણ ભંગ તો સહન કરે તેમ ન હતું જે કાંઈ મેળવવું હતું તે બ્રિટિશ પાર્લમેન્ટ મારફતે જ મળે તેમ હતા. એટલે દક્ષિણ આફ્રિકા તરફથી એક ડેપ્યુટેશન વિલાયત જાય ને દક્ષિણ આફ્રિકાનો કેસ બ્રિટિશ પ્રધાનમંડળ અાગળ રજૂ કરે, એવો બોઅર અને બ્રિટિશોએ ઠરાવ કર્યો હતો.

હિંદવાસીઓએ જોયું કે જો એકત્રતા– યુનિયન – થાય તો તેમની સ્થિતિ છે તેના કરતાં વધારે કફોડી થશે. બધાં સંસ્થાન હિંદીઓ ઉપર હંમેશા વધારે ને વધારે દબાણ કરવા માગતાં હતાં. એટલે એ બધા વિરોધીઓ વધારે એકત્ર થાય તો હિંદીઓ ઉપર વધારે દબાણ થાય એ દેખીતું હતું. જોકે હિંદીઓનો અવાજ નગારા અાગળ તતૂડીના સમાન હતો, છતાં એક પણ પ્રયત્ન જતો ન કરવો એ હતુથી આ સમયે ફરી હિંદીઓનું એક ડેપ્યુટેશન વિલાયત મોકલવાનો ઠરાવ થયો. આ વેળા ડેપ્યુટેશનમાં મારી સાથે પોરબંદરના મેમણ શેઠ હાજી હબીબને નીમવામાં આવ્યા હતા. એમનો ટ્રાન્સવાલનો વેપાર ઘણા જૂના વખતનો હતો. અનુભવ બહોળો હતો. અંગ્રેજી કેળવણી નહોતી છતાં અંગ્રેજી , ડચ, ઝૂલુ વગેરે ભાષાઓ સહેલાઈથી સમજી લેતા હતા. એમની દિલસોજી સત્યાગ્રહીઓ તરફ હતી પણ પોતે સંપૂર્ણ સત્યાગ્રહી ન કહેવાય. અમે બંને ભાઈઓ કેપટાઉનથી જે આગબોટમાં વિદાય થયા તેમાં દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત બુઝુર્ગ મેરીમૅન પણ હતા. તેઓ યુનિયન સાંધવા સારુ જતા હતા. જનરલ સ્મટ્સ વગેરે તો અગાઉથી પહોંચ્યા હતા. નાતાલ તરફથી પણ એક નોખું હિંદી ડેપ્યુટેશન આ વેળા વિલાયત ગયું હતું. એ સત્યાગ્રહને અંગે ન હતું, પણ નાતાલમાં પડતી મુશ્કેલીઓને અંગે હતું.

આ વખતે લોર્ડ ક્રુ સંસ્થાનોના પ્રધાન હતા અને લૉર્ડ મૉલીં હિંદના વજીર હતા. ખૂબ ચર્ચા થઈ. અમે ઘણાને મળ્યા. એક પણ અધિપતિ કે આમ કે ઉમરાવની સભાના એક પણ મેમ્બર જેને મળી શકાય તેમ હતું તેને મળ્યા વિના ન રહ્યા. લૉર્ડ એમ્પ્ટહીલની મદદ બેહદ હતી એમ કહી શકાય. તેઓ સાહેબ મિ. મેરીમૅન,