પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જનરલ બોથા વગેરેને મળ્યા કરતા હતા અને છેવટે જનરલ બોથા તરફથી એક સંદેશો લાવ્યા. તેમણે કહ્યું : "જનરલ બોથા તમારી લાગણીને સમજે છે. તમારી પરચૂરણ માગણીઓ કબૂલ રાખવા તૈયાર છે. પણ 'એશિયાટિક એકટ' રદ કરવા ને દક્ષિણ આફ્રિકામાં નવા આવનારાઓ વિશેના કાયદામાં ફેરફાર કરવા તૈયાર નથી. કાયદામાં રહેલો કાળાધોળા વચ્ચેનો ભેદ તમે રદ કરાવવા માગો છો તે રદ કરવાની તેઓ ના પાડે છે. ભેદ રાખવો એ જનરલ બોથા સિદ્ધાંત સમજે છે અને કદાચ તેમને લાગે કે રદ કરવો, તોપણ તે વાત દક્ષિણ આફ્રિકાના ગોરાઓ કદી સહન ન કરે. જનરલ સ્મટ્સનો પણ જનરલ બોથાના જેવો જ મત છે. તેઓ બંને કહે છે કે આ તેમનો છેવટનો નિર્ણય છે, ને છેવટનું કહેણ છે. આથી વધારે તમે માગશો તો દુ:ખી થશો ને તમારી કોમ પણ દુ:ખી થશે. માટે તમે કરો તે નિર્ણય જોઈ વિચારીને કરજો. અામ તમને કહવા અને તમારી જવાબદારીનો તમને ચિતાર આપવા જનરલ બોથાએ મને કહ્યું છે.” આટલો સંદેશો આપી લૉર્ડ એમ્પટહીલ બોલ્યા :

“જુઓને, તમારી બધી વહેવારુ માગણીઓ તો જનરલ બોથા કબૂલ રાખે છે અને આ દુનિયામાં આપલે તો આપણે કરવી જ પડે છે. આપણે ઈચ્છીએ છીએ તે બધું મળી શકતું નથી. એટલે હવે મારી તમને ખાસ સલાહ છે કે તમારે આ કહણ કબૂલ રાખવું. તમારે સિદ્ધાંતને ખાતર લડવું હોય તો અાગળ ઉપર તમે લડી શકશો. આ વાતનો તમે બન્ને વિચાર કરી જોજો અને પછી જોઈએ તો જવાબ દેજે.”

આ સાંભળી મેં શેઠ હાજી હબીબ તરફ જોયું. તેઓએ કહ્યું : “મારી વતી કહો કે હું સમાધાની પક્ષ તરફથી કહું છું કે મને જનરલ બોથાનું કહેણ મંજૂર છે. એટલું જો તેઓ સાહેબ આપે તો આપણે હાલ સંતોષ વાળીએ ને સિદ્ધાંતને સારુ પાછળથી લડી લઈએ. હવે કોમ વધારે ખુવાર થાય એ મને ગમતું નથી. જે પક્ષની વતી હું બોલું છું તે પક્ષની સંખ્યા વધારે છે ને તેની પાસે પૈસો પણ વધારે છે." મેં આ વાકયોનો અક્ષરેઅક્ષર તરજુમો કરી આપ્યો. ને પછી મારા પક્ષ તરફથી હું બોલ્યો : “અાપે