પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે તસદી લીધી છે તેને સારુ અમે બન્ને આપના આભારી છીએ. મારા સાથીએ જે કહ્યું તે બરોબર છે. તેઓ સંખ્યામાં ને પૈસામાં વધારે બળવાન પક્ષની વતી બોલે છે. હું જેમની વતી બોલું છું તેઓ પ્રમાણમાં ગરીબ છે ને સંખ્યામાં થોડા છે. પણ તેઓ મરણિયા છે. તેમની લડાઈ વ્યવહાર તેમ જ સિદ્ધાંત બન્નેને સારુ છે. જો બેમાંથી એક જતું જ કરવું પડે તો તેઓ વ્યવહારને જવા દઈ સિદ્ધાંતને સારુ ઝૂઝશે. જનરલ બોથાની સત્તાનું અમને માપ છે. પણ અમારી પ્રતિજ્ઞાને અમે તેના કરતાં પણ વધારે વજનદાર સમજીએ છીએ. તેથી પ્રતિજ્ઞાના પાલનને અર્થે અમે ખુવાર થવા રાજી છીએ. અમે ધીરજ રાખીશું. અમારો વિશ્વાસ છે કે અમે અમારા નિશ્ચય ઉપર કાયમ રહીશું તો જે ઈશ્વરને નામે અમે પ્રતિજ્ઞા લીધી છે તે તેને પૂરી કરશે.

આપની સ્થિતિ હું પૂરી સમજું છું. આપે અમારે સારુ ઘણું કર્યું છે. હવે આપ અમને મૂઠીભર સત્યાગ્રહીઓને વધુ સાથ ન દઈ શકો તો અમને તેનો ધોખો નહીં થાય. અને તેથી આપે કરેલો ઉપકાર પણ અમે નહીં ભૂલીએ. આપ પણ અમે આપની સલાહ કબૂલ નથી રાખી શકતા તેને સારુ અમને માફ કરશો, એવી અમને ઉમેદ છે. જનરલ બોથાને અમારી બંનેની વાત અાપ સુખેથી સંભળાવજો ને કહેજો કે, અમે જે થોડા છીએ તે પ્રતિજ્ઞાનું પાલન કરવાના જ છીએ ને આશા રાખવાના છીએ કે, અમારી દુ:ખ સહન કરવાની શક્તિ અંતે તેમના હૃદયને પણ ભેદશે ને તેઓ 'એશિયાટિક એકટ' રદ કરશે.”

લૉર્ડ ઍમ્પ્ટહીલે ઉત્તર આપ્યો :

“તમે એમ ન જાણજો કે હું તમને છોડી દઉં. મારે પણ મારી સજજનતા તો જાળવવી રહેલી જ છે. જે કામ એક વાર હાથ ધર્યું તેને અંગ્રેજ એકાએક છોડતા નથી. તમારી લડત વાજબી છે. તમે શુદ્ધ સાધનોથી લડો છો. હું તમને કેમ છોડું? પણ મારી સ્થિતિ તમે સમજી શકો છો. દુ:ખ તો તમારે ભોગવવાનું રહ્યું. એટલે જરા પણ સમાધાની થઈ શકે તો તે કબૂલ કરવાની સલાહ આપવી એ મારો ધર્મ ગણાય, પણ તમે જે દુ:ખ સહન