પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરનારા છો તે પોતે તમારી ટેકને સારુ ગમે તેટલું દુઃખ સહન કરવા તૈયાર હો તો હું તમને કેમ રોકું ? હું તો તમને ધન્યવાદ જ આપું. એટલે તમારી કમિટીનો પ્રમુખ તો હું રહીશ જ ને મારાથી બનતી મદદ પણ જરૂર કર્યા કરીશ. પણ તમારે એટલું ધ્યાનમાં રાખવું રહ્યું છે કે ઉમરાવની સભામાં હું એક નાનો સભાસદ ગણાઉં, મારું વજન બહુ ન ગણાય. છતાં જે કાંઈ છે તે તમારે સારુ વપરાયા જ કરશે, એ વિશે તમે નિઃશંક રહેજો.”

આ ઉત્તેજનનાં વચન સાંભળી અમે બંને રાજી થયા.

વાંચનારે આમાં એક મધુર વસ્તુ કદાચ નહીં પારખી હોય. શેઠ હાજી હબીબ અને હું ઉપર જણાવ્યું તેમ મતભેદ ધરાવતા હોવા છતાં, અમારી વચ્ચે એટલી મીઠાશ હતી અને એટલો વિશ્વાસ હતો કે શેઠ હાજી હબીબે પોતાનું વિરોધી વેણ મારી મારફતે જ કહવડાવવામાં અાંચકો ન ખાધો. તેઓ એટલો વિશ્વાસ રાખી શકતા હતા કે હું તેમનો કેસ લૉર્ડ એમ્પ્ટહીલ પાસે બરાબર રજૂ કરીશ.

અહીં વાંચનારને એક અપ્રસ્તુત વાત પણ કહી દઉં. વિલાયતમાં રહ્યો તે દરમ્યાન મારે ઘણા અરાજકતાવાદીઓ સાથે વાતો થયેલી. બધાની દલીલોનું ખંડન કરતાં ને દક્ષિણ આફ્રિકામાં તેવા માણસો હતા તેમનું સમાધાન કરવામાંથી 'હિંદ સ્વરાજ'ની ઉત્પત્તિ થઈ. તેનાં મુખ્ય તત્ત્વો મેં લૉર્ડ એમ્પ્ટહીલની સાથે પણ ચર્ચેલા હતાં તે એવા જ ઇરાદાથી કે, તેઓ સાહેબ એવો ખ્યાલ મુદ્દલ ન લાવે કે મેં મારા વિચારો દબાવીને તેમના નામનો ને તેમની મદદનો દક્ષિણ આફ્રિકાના કામને સારુ ગેરઉપયોગ કર્યો. તેઓ સાહેબ સાથેની આ વિશેની મારી ચર્ચા મને હમેશાં યાદ રહી છે. તેમને ત્યાં માંદગી હતી છતાં મને તેઓ મળ્યા હતા. અને જેકે 'હિંદ સ્વરાજ'ના મારા વિચારોને તેઓ મળતા ન આવ્યા, છતાં દક્ષિણ આફ્રિકાની લડતમાં તેમણે પોતાનો હિસ્સો છેવટ લગી પૂરેપૂરો આપ્યો અને અમારી વચ્ચેનો મીઠો સંબંધ છેવટ લગી કાયમ રહ્યો.