પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯. ટૉલ્સટૉય ફાર્મ – ૧


આ વેળા વિલાયતથી જે ડેપ્યુટેશન પાછું ફર્યું તે સારા સમાચાર તો ન લાવ્યું. લોકો લૉર્ડ એમપ્ટહીલે કરેલી વાતોનો સાર શો કાઢશે એની મને ઓછી ચિંતા હતી. મારી સાથે છેવટ લગી કોણ ઊભા રહેશે એ હું જાણતો હતો. સત્યાગ્રહ વિશે મારા વિચારો વધારે પરિપક્વ થયા હતા. તેની વ્યાપકતા અને અલૌકિકતા હું વધારે સમજી શકયો હતો તેથી હું શાંત હતો. વિલાયતથી પાછા ફરતાં જ મેં આગબોટમાં 'હિંદ સ્વરાજ' લખ્યું હતું. તેનો મુદ્દો કેવળ સત્યાગ્રહની ભવ્યતા બતાવવાનો હતો. એ પુસ્તક મારી શ્રદ્ધાનું માપ છે. તેથી લડનારાની સંખ્યાનો મારી આગળ સવાલ જ નહોતો.

પણ મને પૈસાની ચિંતા રહેતી હતી. લાંબા કાળ સુધી લડત ચલાવવી ને પાસે નાણાં ન હોય, એ દુ:ખ મોટું થઈ પડયું. પૈસા વિના લડત ચાલી શકે, પૈસા ઘણી વેળા સત્યની લડતને દૂષિત કરે છે. પ્રભુ હંમેશાં સત્યાગ્રહીને – મુમુક્ષુને – આવશ્યકતા ઉપરાંત સાધન આપતો જ નથી –એ હું ત્યારે એટલું સ્પષ્ટ નહોતો સમજતો, જેટલું આજ સમજું છું. પણ હું આસ્તિક છું. મને પ્રભુએ ત્યારે પણ સાથ દીધો. મારી ભીડ ભાંગી એક તરફથી મારે દક્ષિણ આફ્રિકાને કિનારે ઊતરતાં કોમને નિષ્ફળતાના ખબર આપવાના હતા તો બીજી તરફથી મને પ્રભુએ નાણાંની તંગીથી મુક્ત કર્યો. કેમ કે કેપટાઉન ઊતરતાં જ વિલાયતથી તાર મળ્યો કે સર રતન તાતાએ રૂ. રપ,૦૦૦ આપ્યા છે. એટલાં નાણાં તે વેળા ઘણાં થઈ પડયાં. કામ ચાલ્યું.

પણ તે નાણાંથી અથવા ગમે તેટલાં નાણાંથી સત્યાગ્રહની – સત્યની – આત્મશુદ્ધિની – આત્મબળની લડત ન ચાલી શકે. એ લડતને સારુ ચારિત્ર્યની મૂડી જોઈએ. ધણી વિનાનો મહેલ પણ જેમ ખંડિયેર જેવો લાગે તેમ ચારિત્ર્યહીન મનુષ્યનું અને તેની મિલકતનું સમજવું. સત્યાગ્રહીઓએ જોયું કે હવે લડત કેટલી લાંબી ચાલશે તેનું માપ કોઈથી ન કઢાય. કયાં જનરલ બોથાની ને જનરલ સ્મટ્સની એક તસુ પણ ન હઠવાની પ્રતિજ્ઞા ને કયાં સત્યાગ્રહીની મરણ