પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પર્યંત ઝૂઝવાની પ્રતિજ્ઞા ! હાથી ને કીડી વચ્ચેનું યુદ્ધ હતું, હાથીના એક પગની નીચે અસંખ્ય કીડીઓ કચરાઈ શકે. સત્યાગ્રહી પોતાના સત્યાગ્રહની મુદ્દતને વાડથી બાંધી શકતા ન હતા. વર્ષ લાગે કે વર્ષો, બધું તેને મન એક જ હતું. તેને તો લડવું એ જ જય હતો. લડવું એટલે જેલ જવું, દેશનિકાલ થવું તે દરમ્યાન કુટુંબનું શું? નિરંતર જેલ જનારને નોકરી તો કોઈ ન જ આપે. જેલમાંથી છૂટે ત્યારે પોતે ખાય શું, ખવડાવે શું ? કયાં રહે? ભાડું કોણ આપે ? આજીવિકા વિના સત્યાગ્રહી પણ મૂંઝાય, ભૂખે મરી, પોતાનાંને ભૂખે મારીને પણ લડત લડનારા જગતમાં ઘણા ન જ હોઈ શકે.

આજ લગી તો જેલ જનારનાં કુટુંબોનું ભરણ તેમને દર માસે પૈસા આપીને થતું હતું. સૌને તેની આવશ્યકતા મુજબ અપાતું હતું. કીડીને કણ અને હાથીને હારો. બધાને એકસરખું તો ન જ દેવાય. પાંચ બાળકોવાળા સત્યાગ્રહીને અને બ્રહ્મચારી, જેને કોઈ આશ્રિત નથી, તેને એક પંક્તિમાં તો ન જ મુકાય. અથવા કેવળ બ્રહ્મચારીને જ ભરતીમાં લેવાનું તો ન જ બને. ત્યારે કયા ધોરણ મુજબ દ્રવ્ય અપાય ? ઘણે ભાગે દરેક કુટુંબની ઉપર વિશ્વાસ મેલીને, તે ઓછામાં ઓછો અાંક મૂકે તે પ્રમાણે ખર્ચ આપવામાં આવતો હતો. આમાં કપટને પુષ્કળ અવકાશ હતો. કપટીઓએ તેનો કંઈક લાભ પણ લીધો. બીજા નિખાલસ હૃદયના પણ અમુક ધોરણ મુજબ રહેનારા હોઈ મદદની આશા રાખતા હતા. મેં જોયું કે આ પ્રમાણે લડત લાંબી મુદત ચલાવવી અશકય હતી. લાયકને અન્યાય થવાનો ને નાલાયક પોતાના પાખંડમાં ફાવી જવાનો ભય રહેતો હતો. આ મુશ્કેલીનો ઉકેલ એક જ રીતે થાય તેમ હતું – બધાં કુટુંબોને એક સ્થળે રાખવાં ને બધાંએ સાથે રહી કામ કરવું. આમાં કોઈને અન્યાયનો ભય તો ન જ રહ્યો. પાખંડને કંઈ જ અવકાશ ન રહ્યો એમ પણ કહી શકાય. જાહર પૈસાનો બચાવ થાય ને સત્યાગ્રહી કુટુંબોને નવા અને સાદા જીવનની તથા ઘણાની સાથે હળીમળીને રહેવાની તાલીમ મળે. આવી રીતે ઘણા પ્રાંતના ને ઘણા ધર્મના હિંદીઓને પણ સાથે રહેવાનું મળે.