પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાણી મળી રહેતું, જે જગ્યાએ રહેવાનું હતું ત્યાંથી પ૦૦ વાર દૂર હશે. એટલે પાણી કાવડોમાં ભરીને લાવવાની મહેનત હતી જ. આ સ્થાનમાં નોકર મારફતે કંઈ પણ ઘરકામ, તેમ જ બને તેટલું વાડીનું અને બાંધકામનું પણ કામ ન લેવું એવો આગ્રહ હતો. એટલે પાયખાનાથી માંડીને રસોઈ સુધીનું બધું કામ હાથે જ કરવાનું હતું. કુટુંબોને રાખવાનાં હતાં, પણ પ્રથમથી જ નિશ્ચય કરી લીધો હતો કે સ્ત્રીઓ અને પુરુષોને નોખાં રાખવાં. તેથી મકાનો નોખાં અને થોડાં દૂર બનાવવા એમ ઠર્યું. દસ સ્ત્રીઓ અને સાઠ પુરુષો રહી શકે એટલાં મકાન તરત બનાવવાનો નિશ્ચય થયો. મિ. કૅલનબૅકને રહેવાનું પણ એક મકાન બનાવવાનું હતું ને તેની જ સાથે એક નિશાળનું. અા ઉપરાંત એક કારખાનું સુતારકામ, મોચીકામ ઈત્યાદિ માટે બનાવવાનું હતું.

જેઓ આ સ્થાનમાં રહેવા આવવાના હતા તેઓ ગુજરાતના, મદ્રાસના, અાંધ્ર દેશના અને ઉત્તર હિંદુસ્તાનના હતા. ધર્મે હિંદુ, મુસલમાન, પારસી અને ખ્રિસ્તી હતા. લગભગ ચાળીસ જુવાન, બેત્રણ વયોવૃદ્ધ, પાંચ ઓરત અને વીસથી ત્રીસ બાળકો હતાં. તેમાં ચારપાંચ બાળાઓ હતી.

ઓરતોમાંની જે ખ્રિસ્તી હતી તેમને અને બીજીને માંસાહારની ટેવ હતી. આ સ્થાનમાં માંસાહાર ન દાખલ કરવો પડે તો સારું, એમ મિ. કૅલનબૅકનો તેમ જ મારો અભિપ્રાય હતો. પણ જેઓને તેને વિશે જરાયે બાધ ન મળે, જેઓ સંકટ સમયે આવે સ્થાને આવવાના હતા, જેઓને જન્મથી તે વસ્તુનો અભ્યાસ, તેઓને માંસાહાર અમુક મુદતને સારુ પણ છોડવાનું કેમ કહી શકાય ? ન કહેવાય તો ખર્ચ કેટલું થાય ? વળી જેમને ગોમાંસની ટેવ હોય તેને ગોમાંસ પણ અાપવું? કેટલાં રસોડાં ચલાવવાં ? મારો ધર્મ શો હતો ? આવાં કુટુંબોને પૈસા આપવાનું નિમિત્ત થઈને પણ હું માંસાહાર ને ગોમાંસાહારને મદદ તો કરતો જ હતો. જો હું એવો નિયમ કરું કે માંસાહારીને મદદ નહીં જ મળે, તો મારે સત્યાગ્રહ કેવળ નિરામિષ ભોજન કરનારની મારફતે જ લડવો જોઈએ. તે પણ કેમ થાય ? લડત તો હિંદીમાત્રને સારુ હતી. મારો ધર્મ હું સ્પષ્ટ રીતે જોઈ શકયો.