પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ત્યાં શિયાળો હોય. વરસાદનો ચોકકસ નિયમ છે એમ નહીં કહી શકાય. ગમે ત્યારે આવે. વરસાદનું સામાન્ય પ્રમાણ વીસ ઈંચથી વધુ નહીં હોય.


૨. ઇતિહાસ

આફ્રિકાની ભૂગોળ પર દષ્ટિપાત કરતાં જે વિભાગો આપણે જોઈ ગયા એ કંઈ અસલથી જ છે એમ વાંચનારા ન જ માને છેક પુરાતન કાળમાં ત્યાંની વસ્તી કયા લોકોની હશે એ ચોકકસ રીતે નકકી નથી કરી શકાયું. યુરોપિયન લોકો દક્ષિણ આફ્રિકામાં વસ્યા તે વખતે ત્યાં હબસીઓ હતા આ હબસીઓ અમેરિકામાં ગુલામીનો કેર વર્તતો હતો તે વખતે તેમાંથી નાસીને કેટલાક દક્ષિણ આફ્રિકામાં વસ્યા એમ મનાય છે. તેઓ જુદી જુદી જાતથી ઓળખાય છે, જેવા કે ઝૂલુ, સ્વાઝી, બસૂટો, બેકવાના વગેરે.... તેઓની ભાષામાં પણ ભેદ હોય છે. આ હબસીઓ જ દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓ ગણાય. પણ દક્ષિણ આફ્રિકા એટલો બધો મોટો દેશ છે કે હાલની હબસીઓની વસ્તી છે તેના કરતાં વીસત્રીસ ગણી વસ્તી તેમાં સુખેથી સમાઈ શકે. ડરબનથી કેપટાઉન રેલ રસ્તે જતાં લગભગ ૧,૮૦૦ માઈલની મુસાફરી છે. દરિયારસ્તે પણ ૧,૦૦૦ માઈલથી ઓછું અંતર નથી. આ ચાર સંસ્થાઓનું ક્ષેત્રફળ ૪,૭૩,૦૦૦ ચોરસ માઈલ છે.

આ વિશાળ પ્રદેશમાં હબસીઓની વસ્તી સન ૧૯૧૪માં લગભગ પચાસ લાખ અને ગોરાઓની વસ્તી લગભગ તેર લાખ હતી. હબસીઓમાં ઝૂલુ વધારેમાં વધારે કદાવર અને રૂપાળા ગણી શકાય. “રૂપાળા” વિશેપણ હબસીઓને વિશે મેં ઈરાદાપૂર્વક વાપરેલું છે. સફેદ ચામડી અને અણિયાળા નાકમાં આપણે રૂપનું આરોપણ કરીએ છીએ; અા વહમ જે ઘડીભર બાજુએ મૂકીએ તો ઝૂલુને ઘડીને બ્રહ્માએ કંઈ કચાશ રાખી હોય એમ આપણને નહીં લાગે. સ્ત્રી અને પુરુષો બંને ઊંચાં અને ઊંચાઈના પ્રમાણમાં વિશાળ છાતીવાળાં હોય છે.