પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ ટુકડીમાં ભાઈ પ્રાગજી હતા. તેમણે જિંદગીમાં કદી ટાઢતડકો સહન જ ન કરેલો. અહીં તો ટાઢ હતી, તડકો હતો, વરસાદ તો. અમારી શરૂઆત તો તંબૂમાં થયેલી. મકાન બંધાય ત્યારે તેમાં સુવાય. બે માસમાં મકાન તૈયાર થયાં હશે. મકાનો પતરાંનાં હતાં એટલે તેને કરતાં વખત જ ન જાય. લાકડાં પણ જે માપનાં જોઈએ તેવાં તૈયાર મળી શકે. એટલે માત્ર માપસર ટુકડા કરવાનું જ રહે. બારીબારણાં થોડાં કરવાનાં હતાં. એથી જ એટલી ટૂંકી મુદતમાં આટલાં બધાં મકાનો તૈયાર થઈ શકયાં. પણ આ મજૂરીના કામે ભાઈ પ્રાગજીની પૂરી હાજરી લીધી. જેલના કરતાં ફાર્મનું કામ કઠણ હતું જ. એક દિવસ તો થાકથી અને તાપથી બેભાન થઈ પડયા. પણ પ્રાગજી ઝટ હારે તેમ ન હતા. તેમણે પોતાના શરીરને અહીં પૂરું કસી લીધું ને છેવટે તો મહેનતમાં સહુની સાથે ઊભા રહે એવી શક્તિ મેળવી લીધી હતી.

એવા જ બીજા જોસફ રૉયપૅન હતા. એ તો બૅરિસ્ટર, પણ તેમને બૅરિસ્ટરપણાનું ગુમાન ન હતું, અતિશય મજૂરી તેમનાથી ન થઈ શકતી. ટ્રેનમાંથી બોજો ઊંચકવા ને તેને ગાડી ઉપર લાદવા, એ બધું કામ તેમને માટે અઘરું હતું, પણ તેમણે તે યથાશક્તિ કર્યું.

ટૉલ્સ્ટૉય ફાર્મમાં નબળા સબળા થયા ને મજૂરી સૌને સદી.

બધાને કંઈ ને કંઈ પ્રસંગે જોહાનિસબર્ગ જવાનું થાય. બાળકોને સહેલને ખાતર જવાની ઈચ્છા થાય. મારે પણ કામસર જવું પડે. ઠરાવ એવો થયો કે સામાજિક કામસર જવું હોય તેને જ રેલથી જવાની રજા મળે. ત્રીજા વર્ગ સિવાય તો જવાનું હોય જ નહીં. અને સહેલને ખાતર જવું હોય તેણે ચાલીને જવું, સાથે ખાવાનો નાસ્તો બંધાવી દેવો. કોઈનાથી ખાવાનું ખર્ચ શહેરમાં ન થાય. આવા કડક નિયમો ન રાખ્યા હોત તો જે પૈસા બચાવવા ખાતર જંગલવાસ પસંદ કરવામાં આવ્યો હતો તે પૈસા રેલભાડામાં ને બજારના નાસ્તામાં ઊડી જાત. ઘરનો નાસ્તો પણ સાદો જ હતો. ઘેર બનાવેલી વગર ચાળેલા ને ઘેર દળેલા જાડા લોટની રોટી, તેની ઉપર ભોંયશિંગનું ઘેર બનાવેલું માખણ ને ઘેર બનાવેલો નારંગીની છાલનો મુરબ્બો. લોટ દળવાને સારુ હાથે ચલાવવાની લોખંડની ઘંટી