પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મિ. કૅલનબૅકે પોતાને હસ્તક રાખ્યું હતું. તેમની સુઘડતા ને ચોકસાઈનો અનુભવ અમને પ્રત્યેક ક્ષણે થતો.

યુવકો, બાળકો અને બાળાઓને સારુ નિશાળ તો જોઈએ જ. આ કામ સહુથી મુશ્કેલ માલૂમ પડયું ને સંપૂર્ણતાને છેવટ લગી ન જ પહોંચ્યું, શિક્ષણનો બોજો મુખ્ય ભાગે મિ. કૅનબૅક અને મારી ઉપર હતો. નિશાળ બપોરે જ ચલાવી શકાય. અમે બંને મજૂરી કરીને ખૂબ થાકયા હોઈએ. નિશાળિયા પણ થાકેલા હોય જ. એટલે ઘણી વાર તેઓ ઝોલાં ખાય અને અમે પણ ઝોલાં ખાઈએ. અાંખે પાણી છાંટીએ, બાળકોની સાથે ગેલ કરી તેમનું અને અમારું આળસ ભાંગીએ પણ તે કેટલીક વાર નિરર્થક જતું. જે અારામ શરીર માગે તે લીધે જ છોડે. આ તો એક અને નાનામાં નાનું વિઘ્ન વર્ણવ્યું, કેમ કે એમ ઝોલાં ખવાઈ જતાં છતાં વર્ગ તો ચાલતા જ, પણ તામિલ, તેલુગુ અને ગુજરાતી આમ ત્રણ ભાષા બોલવાવાળાને શું અને કઈ રીતે શીખવાય ? માતૃભાષા વાટે શીખવવાનો લોભ ખરો જ. તામિલ થોડુંઘણું હું જાણું. તેલુગુનો તો અક્ષર સરખોયે નહીં. આવી સ્થિતિમાં એક શિક્ષક શું કરે ? જે યુવકો હતા તેમાંથી કેટલાકનો શિક્ષક તરીકે ઉપયોગ કર્યો. તે પ્રયોગ સફળ થયો ન ગણી શકાય. ભાઈ પ્રાગજીનો ઉપયોગ તો થતો જ હતો. યુવકોમાંના કેટલાક ખૂબ તોફાની અને આળસુ હતા. ચોપડી સાથે તો હંમેશાં લડાઈ જ કરે. એવા વિદ્યાર્થી શિક્ષકને શાના ગાંઠે ? વળી મારું કામ અનિયમિત હતું. મારે જરૂર પડયે જોહાનિસબર્ગ જવું પડે. તેવું જ મિ. કૅલનબૅકનું હતું. બીજી મુસીબત ધાર્મિક શિક્ષણની હતી. મુસલમાનોને કુરાન શીખવવાનો તો લોભ રહ જ. પારસીને અવેસ્તા શીખવવાની ઈચ્છા થાય. એક ખોજાનો બાળક હતો તેને ખાસ ખોજા પંથની નાનકડી પોથી હતી તે શીખવવાનો બોજો તેના પિતાએ મારે માથે મૂકયો હતો. મેં મુસલમાની અને પારસી પુસ્તકો ભેળાં કર્યાં. હિંદુ ધર્મનાં મૂળતત્ત્વો મને સમજાય તેટલાં લખી કાઢયાં – મારાં જ બાળકોને અંગે કે ફાર્મમાં જ એ હું ભૂલી ગયો છું. મારી પાસે જો એ વસ્તુ હોત તો હું મારી પોતાની પ્રગતિ કે ગતિના માપને અર્થ તે અહીં છાપી નાખત.