પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ મારો પ્રયોગ :

લુચ્ચા ગણાતા છોકરાઓ ને નિર્દોષ જુવાન બાળાઓને હું સાથે નાહવા મોકલતો.. બાળકોને મર્યાદાધર્મ વિશે ખૂબ સમજાવ્યું હતું. મારા સત્યાગ્રહથી તેઓ બધાં પરિચિત હતાં. મારો તેઓના પ્રત્યેનો સ્નેહ માના જેટલો જ હતો એમ હું તો જાણતો જ હતો, પણ તે છોકરાંઓ પણ માનતાં હતાં. વાંચનાર પેલો પાણીનો ઝરો યાદ રાખે. રસોડાથી તે દૂર હતો. ત્યાં આવો સંગમ થવા દેવો ને નિર્દોષતાની આશા રાખવી ! મારી અાંખ તો જેમ માની અાંખ દીકરીની પાછળ જ ફર્યા જ કરે તેમ પેલી બાળાઓની પાછળ ફરતી જ રહેતી. વખત નિમાયેલા હતા. નાહવા બધા છોકરા ને બધી છોકરીઓ સાથે જતાં. સંઘમાં એક પ્રકારની સુરક્ષિતતા રહેલી છે તે અહીં હતી. કયાંયે એકાંત તો ન જ હોય. ઘણે ભાગે એ જ વખતે હું તો પહોંચેલો જ હોઉં.

ખુલ્લી ઓશરીમાં બધાં સૂતાં. બાળકો, બાળાઓ મારી આસપાસ પડયાં હોય, પથારીઓની વચ્ચે ભાગ્યે જ ત્રણેક ફૂટનું અંતર હોય. પથારીના ક્રમમાં સાવધાની હતી ખરી. પણ દોષિત મનને એ સાવધાની શું કરી શકે ? આ બાળકો અને બાળાઓ વિશે પ્રભુએ જ લાજ રાખી એમ હવે જોઉં છું. બાળાઓ અને બાળકો આવા નિર્દોષપણે સાથે ભળી શકે એવી માન્યતાથી મેં આ પ્રયોગ કર્યો. માબાપોએ મારા પર અનહદ વિશ્વાસ મૂકી તે પ્રયોગ કરવા દીધો.

એક દિવસ આ બાળાઓએ જ કે કોઈ બાળકે મને ખબર આપી કે એક જુવાનિયાએ આ બે બાળાઓની મશકરી કરેલી. હું ધ્રૂજ્યો. મેં તપાસ કરી. વાત ખરી હતી. જુવાનિયાને સમજાવ્યું. પણ એટલેથી બસ ન હતું. બંને બાળાઓના શરીર ઉપર મેં એવું ચિહ્‌ન ઈચ્છયું કે જેથી દરેક યુવક સમજી શકે અને જાણે કે એ બાળાઓ ઉપર કુદષ્ટિ કરાય જ નહીં. બાળાઓ પણ સમજે કે પોતાની પવિત્રતા ઉપર કોઈ હાથ નાખી જ ન શકે. સીતાને વિકારી રાવણ સ્પર્શ સરખો ન કરી શકયો. રામ તો દૂર હતા. એવું કયું ચિહ્‌ન હું એ બાળાઓને આપું કે જેથી તેઓ પોતાને સુરક્ષિત સમજે અને બીજા તેમને જોઈ નિર્વિકાર રહે ? રાત જાગ્યો, સવારમાં