પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખમીસ મળતાં તે સહુ વાપરતા, ઓરતોમાં ઘણીખરી સીવણનું કામ સુંદર રીતે કરી શકતી, તેઓએ બધું સીવણકામ માથે લીધું.

ખોરાકમાં ચોખા, દાળ, શાક અને રોટલી, અને કોઈ વેળા ખીર, એમ સામાન્ય નિયમ હતો. આ બધું એક જ વાસણમાં પીરસાતું. વાસણમાં થાળીને બદલે જેલના જેવી તાંસળી રાખી હતી અને લાકડાના ચમચા હાથે બનાવી લીધેલા. ખોરાક ત્રણ ટંક અપાતો. સવારના છ વાગ્યે રોટી અને ઘઉંની કૉફી, અગિયાર વાગ્યે દાળભાત તથા શાક અને સાંજે સાડા પાંચ વાગ્યે ઘેંશ અને દૂધ અથવા રોટી ને ઘઉંની કાફી. રાત્રિના નવ વાગે એટલે સહુએ સૂઈ જવું જોઈએ. જમ્યા પછી સાત કે સાડા સાત વાગ્યે પ્રાર્થના, પ્રાર્થનામાં ભજન. કોઈ વેળા રામાયણ હોય, અને કંઈક ઈસ્લામનાં પુસ્તકોમાંથી. ભજનોમાં અંગ્રેજી, હિંદી ને ગુજરાતી, કોઈ વેળા ત્રણેમાંથી તો કોઈ વેળા એક જ.

ફાર્મ પર ઘણાં એકાદશી વ્રત પાળતાં. ત્યાં ભાઈ કોતવાલ પહોંચ્યા હતા. તેમણે ઉપવાસ આદિ ઠીક કેળવ્યાં હતાં. તેમનું જોઈ ઘણાએ ચાતુર્માસ કરેલા. આ જ અરસામાં રોજા પણ આવતા હતા. અમારામાં મુસલમાન જુવાનિયા હતા. તેમને રોજા રાખવામાં ઉત્તેજન આપવું એ અમને ધર્મ લાગ્યો. તેમને સરગીની તેમ જ રાત્રિભોજનની સગવડ કરી આપી. તેમને સારુ રાત્રે ખીર ઈત્યાદિ પણ રંધાતાં. માંસાહાર તો નહોતો જ. કોઈએ માગણી પણ નહોતી કરી. એમના માન અર્થે અમે એકટાણું રાખતા અને પ્રદોષ કરતા. સામાન્ય નિયમ સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનો હતો. ને મુસલમાન છોકરા થોડા જ હતા તેથી બીજા સૂર્યાસ્ત પહેલાં ખાઈને તૈયાર થઈ જતા એટલો જ તફાવત હતો. મુસલમાન નવયુવકોએ પણ પોતાના રોજા રાખતાં એટલો બધો વિનય વાપર્યો કે કોઈને વધારે પડતી તકલીફ ન આવવા દીધી. પણ આમ ગેરમુસ્લિમ બાળકોએ તેઓને ખાવાના સંયમમાં સાથ આપ્યો તેની અસર સહુની ઉપર સરસ પડી. હિંદુ-મુસલમાન બાળકો વચ્ચે ધર્મને લીધે ઝઘડો કે ભેદ થયો એવું મને એક પણ સ્મરણ નથી. એથી ઊલટું હું જાણું છું કે બધા પોતપોતાના ધર્મમાં ચુસ્ત રહેતા છતાં એકબીજા પ્રત્યે સંપૂર્ણ માનથી રહેતા