આખા શરીરના સ્નાયુ રીતસર ગોઠવાયેલા અને ઘણા મજબૂત હોય છે. એની પિંડલીઓ અને બાહુ માંસથી ભરેલાં હંમેશાં ગોળાકાર જ જોવામાં આવે છે. સ્ત્રી અથવા પુરુષ વાંકાં વળીને કે ખંધ કાઢીને ભાગ્યે જ ચાલતાં જેવામાં આવશે. હોઠ અવશ્ય મોટા અને જાડા હોય છે, પણ આખા શરીરના આકારના પ્રમાણમાં હોઈ જરાયે બેડોળ છે એમ હું તો નહીં કહું. અાંખ ગોળ અને તેજસ્વી હોય છે. નાક ચપટું અને મોટા મોઢાને શોભે એવું મોટું જ હોય છે, અને તેના માથાના ગુંચળિયા વાળ તેની સીસમ જેવી કાળી અને ચળકતી ચામડીની ઉપર શોભી નીકળે છે. જો આપણે કોઈ ઝૂલુને પૂછીએ કે દક્ષિણ આફ્રિકામાં વસતી કોમોમાં સહુથી વધારે રૂપાળા એ કોને ગણશે તો એ દાવો તે પોતાની જાતને સારુ જ કરશે, અને તેમાં હું તેનું જરાયે અજ્ઞાન નહીં જોઉં. જે પ્રયત્ન સેન્ડો ઈત્યાદિ આજે યુરોપમાં તેમના શાગિર્દોના બાહુ, હાથ વગેરે અવયવો કેળવવાને કરે છે તેમાંના કંઈ જ પ્રયત્ન વિના કુદરતી રીતે જે આ કોમના અવયવ ઘટ્ટ અને સુંદર આકારે બંધાયેલા જોવામાં આવે છે. ભૂમધ્યરેષાની નજદીક રહેનારી વસ્તીની ચામડી કાળી જ હોવી જોઈએ એ કુદરતી નિયમ છે. અને કુદરત જે જે ઘાટ ઘડે છે તેમાં સૌંદર્ય જ હોય છે એવું આપણે માનીએ તો સૌંદર્ય વિશેના આપણા સાંકડા અને એકદેશીય વિચારોમાંથી બચી જઈએ. એટલું જ નહીં પણ હિંદુસ્તાનમાં કેટલેક અંશે આપણને અાપણી પોતાની જ ચામડી જે કાળાશ પડતી હોય તો જે અણછાજતાં શરમ અને અણગમો ઊપજે છે તેમાંથી પણ આપણે મુક્ત થઈએ.
આ હબસીઓ ઘાસમાટીના ગોળ કૂબાઓ(ઝુંપડાંઓ)માં વસે છે. એ કૂબાને એક જ ગોળ દીવાલ હોય છે અને ઉપર ઘાસનું છાપરું. અંદર એક થાંભલાની ઉપર છાપરાનો આધાર હોય છે. વાંકા વળીને જ જઈ શકાય એવો એક નીચો દરવાજે તે જ હવાની આવજાનું સાધન. તેને બારણું ભાગ્યે જ હોય છે. આપણી જેમ એ લોકો પણ દીવાલ અને ભોંયને માટી અને લાદછાણથી લીંપે છે, એમ ગણાય છે કે આ લોકો કંઈ પણ ચોરસ ચીજ બનાવી શકતા નથી. પોતાની આંખને કેવળ ગોળ વસ્તુ જોવા-બનાવવામાં જ કેળવી