પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ન થઈ શકે તેમ હતું. આમ અજ્ઞાનમય પ્રેમને લીધે મેં તે દિવસ તેમને જે કષ્ટ આપ્યું તે કદી વીસર્યો નથી. આટલો બધો ફેરફાર સહન ન જ થાય. તેમને તો ટાઢ ચઢી. તેમને ખાવાને રસોડે ન લઈ જઈ શકાય. મિ. કૅલનબૅકની ઓરડીમાં તેમને ઉતારો આપ્યો હતો. ત્યાં જમવાનું પહોંચાડતાં ઠંડુ તો થાય જ. તેમને સારુ હું ખાસ 'સૂપ' બનાવતો. ભાઈ કોતવાલ ખાસ લોટની રોટી બનાવતા. પણ તે ગરમ કેમ રહી શકે ? જેમ તેમ કરી સંકેલ્યું. તેમણે મને કંઈ જ ન સંભળાવ્યું. પણ તેમના ચહેરા ઉપરથી હું સમજી ગયો ને મારી મૂર્ખતા પણ સમજી ગયો. જ્યારે તેમણે જાણ્યું કે અમે બધા ભોંય ઉપર સૂતા હતા ત્યારે તેમને પોતાને સારુ ખાટલો હતો તે દૂર કરાવી પોતાની પથારી પણ ભોંય ઉપર કરાવી. એ રાત્રિ મેં પશ્ચાત્તાપમાં ગાળી. ગોખલેને એક ટેવ હતી, જેને હું કુટેવ કહતો. તે નોકરની જ ચાકરી લેતા. આવી મુસાફરીમાં નોકરને સાથે ફેરવતા નહીં. મિ. કૅલનબૅકે, મેં તેમના પગ ચાંપવા દેવા બહુ વીનવ્યા. તે એકના બે ન થયા. અમને સ્પર્શ સરખો ન કરવા દીધો. ઊલટા અરધા ખીજમાં અને અરધા હાંસીમાં કહે: “તમે બધા એમ જ સમજતા લાગો છો કે દુઃખ અને અગવડ ભોગવવા એક તમે જ જન્મ્યા છો ને અમારા જેવા તમારે પંપાળવા સારુ જ જન્મ્યા છીએ. આ તારી અતિશયતાની સજા આજે તું પૂરી ભોગવી લે. હું તને મારો સ્પર્શ જ નહીં કરવા દઉં. તમે બધા નિત્યક્રિયા કરવા દૂર જશો ને મારે સારુ તમે પેટી રાખશો એમ કે ? હું ગમે તેટલી અગવડ ભોગવીશ, પણ તમારો ગર્વ ઉતારીશ.” વચન તો વજ્ર સમ હતાં. કૅલનબૅક અને હું ખિન્ન થયા. પણ તેમના મુખ ઉપર હાસ્ય હતું એટલું આશ્વાસન હતું. અર્જુને કૃષ્ણને અજાણપણે બહુયે દૂભવ્યા હશે, એ કંઈ કૃષ્ણે યાદ રાખ્યું હોય ? ગોખલેએ તો સેવાનો ભાવ જ યાદ રાખ્યો. સેવા તો કરવા ન જ દીધી. તેમનો મોમ્બાસાથી લખેલ પ્રેમળ કાગળ મારી છાતીમાં કોતરાઈને અંકિત છે.. તેમણે દુ:ખ વેઠયું, પણ જે સેવા અમે કરી શકતા હતા તે છેવટ લગી ન જ કરવા દીધી. ખાવાનું વગેરે તો અમારે હાથે ન લે તો જાય કયાં ?