પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વસ્તુમાં હિંસા છે અથવા પાપ છે એ એક સ્થિતિ છે અને તે પ્રમાણે આચરણ કરવાની શક્તિ હોવી એ બીજી સ્થિતિ છે. જેનામાં સર્પનો ભય રહ્યો છે, અને જે પોતે પ્રાણત્યાગ કરવા તૈયાર નથી, તે ભીડમાં અાવ્યે સર્પને છોડવાનો નથી. ફાર્મમાં એવો એક કિસ્સો બન્યો હતો તે મારા સ્મરણમાં છે. ત્યાં સર્પોનો ઉપદ્રવ ઠીક હતો એમ તો વાંચનારે કલ્પી લીધું હશે. આ ફાર્મમાં જ્યારે અમે ગયા ત્યારે કાંઈ જ વસ્તી ન હતી. અને કેટલોક કાળ થયાં તે નિર્જન હતું. એક દિવસ મિ. કૅલનબૅકની જ કોટડીમાં એક સર્પ એવી જગ્યાએ જોવામાં આવ્યો કે જ્યાંથી તેને ભગાડવો અથવા પકડવો અસંભવિત જેવું લાગ્યું. ફાર્મના એક વિદ્યાર્થીએ તેને જોયો. મને બોલાવ્યો અને પૂછયું કે હવે શું કરવું? મારવાની તેણે પરવાનગી માગી. એ પરવાનગી વિના સર્પને તે મારી શકતો હતો, પણ સામાન્ય રીતે વિદ્યાર્થીઓ કે બીજાઓ પણ આવું પગલું મને પૂછયા વિના ન ભરે. મારવાની રજા દેવાનો હું ધર્મ સમજ્યો અને મેં રજા દીધી. આ લખતી વેળાએ પણ મને એમ નથી લાગતું કે મેં રજા દેવામાં કાંઈ પણ ખોટું કર્યું હતું. સર્પને હાથે પકડવાની અથવા ફાર્મવાસીઓને બીજી કોઈ પણ રીતે નિર્ભય કરવાની મારામાં શક્તિ ન હતી અને આજ લગી તે કેળવી શકયો નથી.

ફાર્મમાં સત્યાગ્રહીઓની ભરતીઓટ થયાં કરે એ વાંચનાર સહેજે સમજી શકશે. કેદમાં જનારા અને કેદમાંથી છૂટેલા એવા સત્યાગ્રહીઓ કોઈ ને કોઈ હોય જ. તેમાંના બે એવા આવી પહોંચ્યા કે જેમને મૅજિસ્ટ્રેટે જાતમુચરકા પર છોડયા હતા અને જેઓને સજા સાંભળવાને સારુ બીજે દિવસે હાજર રહેવાનું હતું. વાતો કરતા બેઠા હતા ત્યાં જે છેલ્લી ટ્રેન લેવાની હતી તેનો સમય ભરાઈ જવા આવ્યો અને ટ્રેન પકડી શકાશે કે નહીં એ પ્રશ્ન થઈ પડયો. બંને જુવાનિયા હતા અને કસરતમાં કુશળ હતા. તેઓ અને અમે કેટલાક વળાવનારા દોડયા. રસ્તામાં જ ટ્રેન આવવાની સીટી મેં સાંભળી; ટ્રેન ચાલવાની સીટી થઈ ત્યાં અમે સ્ટેશનની બહાર લગી પહોંચ્યા. આ બંને ભાઈઓ તો વધારે ને વધારે દોડતા જ જાય. હું પાછળ પડી ગયો. ટ્રેન ચાલી. અા બંનેને દોડતા જોઈ સ્ટેશનમાસ્તરે ચાલતી