પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ટ્રેનને રોકી અને જુવાનોને બેસાડી લીધા. મેં પહોંચીને તેનો ઉપકાર માન્યો. આ વર્ણન આપતાં હું બે વસ્તુ જણાવી ગયો છું. એક સત્યાગ્રહીઓની જેલમાં જવાની અને પોતાની પ્રતિજ્ઞા પાળવાની ધગશ અને સ્થાનિક અમલદારોની સાથે સત્યાગ્રહીઓએ કેળવેલો મીઠો સંબંધ. આ જુવાનિયા જે એ ટ્રેન ન પકડી શકયા હોત તો બીજે દિવસે કોર્ટમાં હાજર ન રહી શકત. તેઓના કોઈ બીજા જામીન નહીં હતા, કે નહોતા તેઓની પાસે કાંઈ પૈસા મુકાવ્યા. માત્ર તેઓની સારમાણસાઈ પર છોડેલા. સત્યાગ્રહીઓની શાખ એવી પડી ગઈ હતી કે તેઓ જેલમાં જવાને આતુર હોવાથી તેઓની પાસેથી જામીન લેવાની જરૂર કોર્ટના અમલદારો ન માનતા. આ કારણથી જુવાન સત્યાગ્રહીઓને ટ્રેન ચૂકવાના ભયથી ઘણો ખેદ થયો હતો; તેથી તેઓ પવનવેગે દોડયા. સત્યાગ્રહના આરંભમાં અમલદારો તરફનો કંઈ ત્રાસ હતો એમ કહી શકાય. જેલના અમલદારો કોઈ કોઈ જગ્યાએ અતિશય કડક હતા એમ પણ કહી શકાય. પણ જેમ જેમ લડત આગળ વધતી ગઈ તેમ તેમ એકંદરે અમે જોયું કે અમલદારો ઓછા કડવા થયા અને કેટલાક મીઠા પણ થયા. અને જ્યાં તેઓ જોડે લાંબો પ્રસંગ થતો ત્યાં આ સ્ટેશનના અમલદારની માફક મદદ કરતા પણ થયા. કોઈ વાંચનાર એમ ન માને કે સત્યાગ્રહીઓ અમલદારોને કોઈ પ્રકારની લાંચ આપીને તેમની પાસેથી સગવડ મેળવતા હતા. એવી અયોગ્ય સગવડ મેળવવાની કદી ધારણા જ નહોતી રાખી. પણ સભ્યતાની સગવડ લેવાની કોને હોંશ ન હોય ? અને તેવી સગવડો સત્યાગ્રહીઓ ઘણી જગ્યાએ મેળવી શકયા હતા. સ્ટેશનમાસ્તર ઊલટો થાય તો નિયમોની હદમાં રહેવા છતાં ઘણી કનડગત કરી શકે. આવી કનડગતની સામે ફરિયાદ પણ ન થઈ શકે અને સવળો થાય તો નિયમોની અંદર રહેવા છતાં ઘણી સગવડો આપી શકે. આવી બધી સગવડો અમે આ ફાર્મની નજીક લૉલી સ્ટેશનના સ્ટેશનમાસ્તર પાસેથી મેળવી શકયા હતા. અને તેનું કારણ સત્યાગ્રહીઓનો વિવેક અને તેઓનું ધૈર્ય તથા દુઃખ સહન કરવાની શક્તિ હતી.