પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિંમત ન ચાલે, ટાઈફૉઈડ થયેલા દરદીને ઑલિવ ઑઈલ અને કેળું આપતાં તો મને ધ્રુજારી જ છૂટે. ૧૯૧૮માં હિંદુસ્તાનમાં મને મરડો થયો તેનો જ ઉપાય હું નહોતો કરી શકયો. અને આજ લગી મને ખબર નથી કે, જે ઉપચારો દક્ષિણ આફ્રિકામાં સફળ થતા હતા તે જ ઉપચારો એટલે અંશે અહીં સફળ નથી થતા તેમાં મારા આત્મવિશ્વાસની ન્યૂનતા હશે કે અહીંના વાતાવરણને તે ઉપચારો પૂરા અનુકૂળ નહીં હોય, એ હશે. એટલું જ હું જાણું છું કે આવા ઘરગથ્થુ ઉપચારોથી અને ટૉલ્સટૉય ફાર્મમાં દાખલ કરેલ સાદાઈથી કોમના કંઈ નહીં તોયે બેત્રણ લાખ રૂપિયા બચી ગયા, રહેનારાઓમાં કૌટુંબિક ભાવના ઉત્પન્ન થઈ, સત્યાગ્રહીઓને શુદ્ધ આશ્રયસ્થાન મળ્યું, અપ્રમાણિકતા અને દંભને અવકાશ ન રહ્યો; મગ અને કાંકરી નોખાં પડી ગયાં.

ઉપરના કિસ્સાઓમાં આવી ગયેલ ખોરાકના અખતરા અારોગ્યની દૃષ્ટિએ થયેલા. પણ આ ફાર્મની અંદર જ મેં મારી ઉપર એક અત્યંત અગત્યનો અખતરો કર્યો. તે કેવળ આધ્યાત્મિક દૃષ્ટિએ થયેલો.

નિરામિષ ભોજન કરનાર તરીકે દૂધ લેવાનો અધિકાર આપણને કેટલો છે અથવા નથી, તેનો વિચાર તો મેં ખૂબ કરેલો, તે વિશે ખૂબ વાંચેલું પણ. પણ ફાર્મમાં રહેતી વખતે મારા હાથમાં કાંઈ પુસ્તક અથવા તો છાપું આવેલું તેમાં મેં જોયું કે કલકત્તામાં ગાય-ભેંસોને નિચોવીને તેનું દૂધ કાઢવામાં આવે છે. એ લખાણમાં ફૂંકવાની ઘાતકી અને ભયાનક ક્રિયાનું પણ વર્ણન હતું. એક સમયે મિ. કૅલનબૅકની સાથે દૂધ લેવાની આવશ્યકતા વિશે ચર્ચા ચલાવી રહ્યો હતો તેને અંગે આ ક્રિયાની વાત પણ મેં કરી. દૂધના ત્યાગના બીજા કેટલાક આધ્યાત્મિક ફાયદાઓ પણ મેં વર્ણવ્યા, અને દૂધનો ત્યાગ થઈ શકે તો સારું એમ પણ મેં કહ્યું. મિ. કૅલનબૅક અતિશય સાહસિક હોવાથી દૂધ છોડવાનો અખતરો કરવા તરત તૈયાર થઈ ગયા. તેમને મારી કરેલી વાત બહુ પસંદ પડી. અને તે જ દિવસે અમે બન્નેએ દૂધ છોડયું, અને છેવટે અમે બન્ને જણા કેવળ સૂકાં અને લીલાં ફળની ઉપર આવીને ઊભા. રાંધેલો ખોરાક પણ બંધ કર્યો. એ