પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અખતરાનો અંત શો આવ્યો એનો ઈતિહાસ આપવાનું આ સ્થળ નથી, પણ એટલું તો કહી જાઉં કે કેવળ ફળાહાર ઉપર જ હું પાંચ વર્ષ સુધી રહ્યો તેથી મેં નથી અનુભવી નબળાઈ કે નથી અનુભવ્યો કોઈ પણ જાતનો વ્યાધિ. વળી એ દરમ્યાન મારામાં શારીરિક કામ કરવાની સંપૂર્ણ શક્તિ હતી, તે એટલે સુધી કે હું એક દિવસની અંદર પગે ચાલીને પપ માઈલની મુસાફરી કરી શકયો હતો – ૪૦ માઈલની મુસાફરી સહેજ વાત હતી. એ અખતરાનાં આધ્યાત્મિક પરિણામ ઘણાં સુંદર આવ્યાં હતાં એવો મને દૃઢ વિશ્વાસ છે. એ અખતરાનો થોડે અંશે ત્યાગ કરવો પડયો એનું મને હંમેશાં દુ:ખ રહ્યું છે, અને જે હું રાજપ્રકરણી વ્યવસાયોમાં જેટલે દરજજે ગૂંથાયેલો પડયો છું તેમાંથી મુક્ત થઈ શકું તો ફરીથી આટલી ઉંમરે અને શરીરને જોખમે અાધ્યાત્મિક પરિણામ તપાસવાની ખાતર આજે પણ એ અખતરો હું કરી જોઉં. દાક્તરો અને વેદોમાં આધ્યાત્મિક દૃષ્ટિનો અભાવ એ પણ મારા માર્ગમાં અમને વિઘ્નકર્તા થઈ પડેલ છે.

પણ હવે આ મધુર અને અગત્યનાં સ્મરણોની સમાપ્તિ થવી જોઈએ. આવા સખત પ્રયોગો આત્મશુદ્ધિની લડતને અંગે જ થઈ શકે. છેવટના યુદ્ધને સારુ ટૉલ્સ્ટૉય ફાર્મ એ આધ્યાત્મિક શુદ્ધિનું અને તપશ્ચર્યાનું સ્થાન નીવડયું જો આવું સ્થાન ન મળ્યું હોત અથવા ન મેળવ્યું હોત તો આઠ વરસ સુધી લડત ચાલી શકત કે નહીં, વધારે પૈસા મળી શકત કે નહીં, અને છેવટે જે હજારો માણસોએ લડતમાં ભાગ લીધો એ એ ભાગ લેત કે નહીં એ વિશે મને સંપૂર્ણ શંકા છે. ટૉલ્સટૉય ફાર્મની નોબત વગાડવાનો નિયમ રાખ્યો જ નહોતો. એમ છતાં જે વસ્તુ દયાને પાત્ર ન હતી તે વસ્તુએ લોકોના દયાભાવને જાગ્રત કર્યો, પોતે જે વસ્તુ કરવાને તૈયાર નથી અને જેને પોતે દુઃખ માને છે તે વસ્તુ ફાર્મવાસીઓ કરી રહ્યા છે એમ લોકોએ માન્યું. આ તેઓનો વિશ્વાસ એ ૧૯૧૩ની સાલમાં જે મોટા પાયા પર ફરી લડાઈ શરૂ થઈ તેને સારુ ભારે મૂડીરૂપ થઈ પડ્યો. એવી મૂડીના વળતરનો હિસાબ નથી થઈ શકતો. વળતર કયારે મળે છે તે પણ કોઈ કહી જ ન શકે.