પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ પણ ઠરાવ થયો અને જ્યાં જ્યાં ટાઉનહૉલનો ઉપયોગ મળી શકે ત્યાં ટાઉનહૉલમાં જ સભા ભરવી એમ નિશ્ચય થયો. મુખ્ય સ્ટેશનો પણ રેલવે ખાતાની રજા લઈ શણગારવાનું કાર્ય અમે માથે લીધું. અને ઘણાંખરાં સ્ટેશનોની ઉપર શણગાર કરવાની પરવાનગી પણ મળી. સામાન્ય રીતે આવી પરવાનગી આપવામાં નથી આવતી. પણ સ્વાગતની અમારી ભારે તૈયારીઓની અસર સત્તાવાળાઓ ઉપર થઈ અને તેમાં જેટલી સહાનુભૂતિ આપી શકાય તેટલી તેઓએ આપી. દાખલા તરીકે, જોહાનિસબર્ગમાં જ તેના રેલવેસ્ટેશન ઉપર શણગાર કરવાને સારુ અમે લગભગ ૧૫ દિવસ લીધા હશે. કેમ કે ત્યાં એક સુંદર ચીતરેલો દરવાજે બનાવ્યો હતો.

દક્ષિણ આફ્રિકા શું છે તેનો અનુભવ ગોખલેને વિલાયતમાં જ મળ્યો. દક્ષિણ આફ્રિકાની સરકારને હિંદી વજીરે ગોખલેનો દરજ્જો, તેમનું સામ્રાજ્યમાં સ્થાન ઇત્યાદિ જણાવી મૂકયાં હતાં, પણ સ્ટીમર કંપનીની ટિકિટોનું અથવા તો કેબિનની સગવડ કરવાનું કોઈને કેમ સૂઝી શકે ? ગોખલેની તબિયત નાજુક તો રહે જ એટલે તેમાં સારી કૅબિન જોઈએ, એકાંત જોઈએ. એવી કૅબિન જ નથી એવો રોકડો જવાબ મળ્યો ! મને બરાબર યાદ નથી કે ગોખલેએ પોતે કે તેમના કોઈ મિત્રે ઇન્ડિયા ઓફિસમાં ખબર આપી. કંપનીના ડિરેક્ટરને ઈન્ડિયા ઓફિસ તરફથી કાગળ ગયો અને નહોતી ત્યાં ગોખલેને સારુ સારામાં સારી કૅબિન તૈયાર થઈ ! આ પ્રારંભિક કડવાશનું પરિણામ મીઠું આવ્યું. સ્ટીમરના કૅપ્ટન ઉપર પણ ગોખલેનું સુંદર સ્વાગત કરવાની ભલામણ થઈ હતી. તેથી ગોખલેના અા મુસાફરીના દિવસો આનંદમાં અને શાંતિમાં ગયા. ગોખલે જેટલા ગંભીર હતા તેટલા જ આનંદી અને વિનોદી હતા. તેઓ સ્ટીમરની રમતોગમતોમાં સારી પેઠે ભાગ લેતા અને સ્ટીમરના મુસાફરોમાં ખૂબ લોકપ્રિય થઈ પડયા હતા. યુનિયન સરકારે ગોખલેને તેમના પરોણા થવાનું અને સરકાર તરફથી રેલવેનું સ્ટેટ સલૂન સ્વીકારવાનું કહેણ મોકલ્યું હતું. સલૂનનો અને પ્રિટોરિયામાં સરકારી પરોણાગતના સ્વીકારનો નિશ્ચય મારી સાથે મસલત કર્યા પછી તેમણે કર્યો.