પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઊતરવાનું બંદર કેપટાઉન હતું. ગોખલેની તબિયત હું ધારતો હતો તેના કરતાં અતિશય નાજુક હતી. તેમનાથી અમુક ખોરાક જ લઈ શકાતો હતો, અને ઘણો પરિશ્રમ વેઠી શકે એવી પણ તબિયત નહોતી. ઘડેલો કાર્યક્રમ તેમને સારુ અસહ્ય હતો. બની શકે તેટલા ફેરફાર તો કર્યા જ. જો ફેરફાર ન જ થઈ શકે તો તબિયતને જોખમે પણ આખો કાર્યક્રમ રાખવા તેઓ તૈયાર થયા. તેમને પૂછયા વિના કઠિન કાર્યક્રમ ઘડી નાખવામાં મેં કરેલી મૂર્ખતાનો મને બહુ પશ્ચાત્તાપ થયો. કેટલાક ફેરફારો તો કર્યા, પણ ઘણું તો જેમનું તેમ કાયમ રાખવું પડયું. ગોખલેને અત્યંત એકાંત આપવાની આવશ્યકતા હતી એ હું નહોતો સમજી શકયો. એ એકાંત આપવામાં મને વધારેમાં વધારે મુસીબત પડેલી; પણ મારે નમ્રતાપૂર્વક એટલું તો સત્યની ખાતર કહેવું પડશે કે, મને માંદાની અને વડીલોની સારવાર કરવાનો અભ્યાસ અને શોખ હોવાથી મારી મૂર્ખતા જાણ્યા પછી એટલે સુધી સુધારા કરી શકયો કે તેમને પુષ્કળ એકાંત અને શાંતિ આપી શકયો હતો. આખી મુસાફરીમાં તેમના મંત્રીનું કામ તો મેં જ કર્યું હતું. સ્વયંસેવકો એવા હતા કે જે કાળી રાતે પણ જવાબ આપી શકે. એટલે સેવકોને અભાવે તેમને દુઃખ કે અગવડ વેઠવાં પડયાં હોય એવો મને ખ્યાલ નથી. કૅલનબૅક પણ એ સ્વયંસેવકોમાંના એક હતા.

કેપટાઉનમાં સારામાં સારી સભા થવી જોઈએ એ તો સ્પષ્ટ હતું. શ્રાઈનર કુટુંબ વિશે હું પ્રથમ ખંડમાં લખી ચૂકયો છું. તેમાંના મુખ્ય ડબલ્યુ પી. શ્રાઈનરને પ્રમુખપદ લેવાની વિનંતી કરી તે તેઓએ સ્વીકારી. વિશાળ સભા થઈ. મોટી સંખ્યામાં હિંદીઓ અને ગોરાઓ આવ્યા. મિ. શ્રાઈનરે મધુર શબ્દોમાં ગોખલેનું સ્વાગત કર્યું, અને દક્ષિણ આફ્રિકાના હિંદીઓ પ્રત્યે પોતાની દિલસોજી જાહેર કરી. ગોખલેનું ભાષણ ટૂંકું, પકવ, વિચારોથી ભરેલું, દૃઢ તેમ જ વિનયી હતું. તેથી હિંદીઓ રાજી થયા અને ગોખલેએ ગોરાઓના મનનું હરણ કર્યું. એટલે એમ કહી શકાય કે ગોખલેએ જે દિવસે દક્ષિણ આફ્રિકાની ભૂમિમાં પ્રવેશ કર્યો તે જ દિવસે તેના પચરંગી લોકોના હૃદયમાં પ્રવેશ કર્યો.