પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સારુ ખાસ ઑફિસ ભાડે રાખવામાં આવી હતી. તેમાં એક ઓરડી તેમને ખાસ આરામ લેવાને સારુ, બીજી મુલાકાતને સારુ અને ત્રીજે એક ઓરડો મળવા આવનારાઓને સારુ, જોહાનિસબર્ગના કેટલાક નામાંકિત ગૃહસ્થોની ખાનગી મુલાકાતને સારુ પણ ગોખલેને લઈ જવામાં આવ્યા હતા. આગેવાન ગોરાઓની પણ એક ખાનગી સભા કરી હતી, જેથી તેમના દૃષ્ટિબિંદુને ગોખલેને પૂરો ખ્યાલ આવી શકે. સિવાય જોહાનિસબર્ગમાં તેમના માનમાં એક મોટું ખાણું પણ આપવામાં આવ્યું હતું. ૪૦૦ માણસોને નિમંત્રણ હતું. તેમાં લગભગ ૧પ૦ ગોરાઓ હશે. હિંદીઓ ટિકિટથી જ આવી શકતા હતા; તેની કિંમત એક ગીની રાખવામાં આવી હતી. તે ટિકિટમાંથી એ ખાણાનું ખર્ચ નીકળ્યું. ખાણું કેવળ નિરામિષ અને મદ્યપાનરહિત હતું. રસોઈ પણ કેવળ સ્વયંસેવકોએ જ બનાવી હતી. અા વસ્તુનો ચિતાર અહીં આપવો મુશ્કેલ છે. દક્ષિણ આફ્રિકામાં આપણા લોકો હિંદુ, મુસલમાન છૂતઅછૂતને જાણતા નથી, સાથે બેસીને ખાય છે. નિરામિષ-આહારી હિંદીઓ પોતાનું નિરામિષ-આહારીપણું જાળવે છે. હિંદીઓમાં કેટલાક ખ્રિસ્તીઓ પણ હતા. તેઓની સાથે પણ મારો તો બીજાઓ જેટલો જ ગાઢ પરિચય હતો. તેઓ ઘણાખરા ગિરમીટિયા માબાપની પ્રજામાંથી હોય છે. અને તેઓમાંના ઘણા હોટલોમાં રસોઈનું અને પીરસવાનું કામ કરે છે. આ લોકોની મદદથી આટલા માણસની રસોઈને પહોંચી વળાયું. પંદરેક વાનીઓવાળું ભોજન હશે. દક્ષિણ આફ્રિકાના ગોરાઓને સારુ આ તદ્દન નવો અને અજાયબીભરેલો અનુભવ હતો. આટલા બધા હિંદીઓની સાથે એક પંક્તિએ ખાવા બેસવું, નિરામિષ ભોજન કરવું અને મદ્યપાન વિના ચલાવવું – ત્રણે અનુભવો તેમાંના ઘણાને સારુ નવા; બે તો બધાને સારુ નવા.

આ મેળાવડા આગળ દક્ષિણ આફ્રિકામાંનું ગોખલેનું મોટામાં મોટું અને મહત્ત્વનું ભાષણ થયું. ગોખલે બરાબર ૪૫ મિનિટ બોલ્યા. એ ભાષણની તૈયારીને સારુ તેમણે અમારી પુષ્કળ હાજરી લીધી હતી. સ્થાનિક માણસોના દૃષ્ટિબિંદુની અવગણના ન થાય અને તેને મળી શકાય એટલે દરજ્જે મળવું, એ એમનો જિંદગીભરનો નિશ્ચય જણાવ્યો, અને તેથી મારી દૃષ્ટિએ હું તેમની પાસેથી બોલાવવા