પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શું ઇચ્છું તે માગે. એ મારે ઘડીને આપવું જોઈએ અને તેની સાથે એ શરત કે, તેમાંનું એક પણ વાક્ય અથવા વિચારનો ઉપયોગ તેઓ ન કરે તો મારે દુઃખ ન માનવું, ન લાંબુ કર્યું પાલવે, ન ટૂંકું, છતાં કોઈ પણ અગત્યની હકીકત ન રહી જાય. એ બધી શરતોનું પાલન કરીને એમને સારુ મારે ટાંચણ બનાવવાં પડતાં હતાં. મારી ભાષાનો તો એમણે મુદ્દલ ઉપયોગ ન કર્યો એમ કહી નાખું. અંગ્રેજી ભાષામાં પારંગત થયેલ ગોખલે મારી ભાષાનો ક્યાંયે ઉપયોગ કરે એવી આશા હું રાખુંયે શેનો ? મારા વિચારોનો તેમણે ઉપયોગ કર્યો એમ પણ હું ન કહી શકું. પણ મારા વિચારોનું ઉપયોગીપણું તેમણે સ્વીકાર્યું, તેથી મેં મનને મનાવી લીધેલું કે વિચારોનો કોઈ પણ પ્રકારે તેમણે ઉપયોગ કર્યો હશે. પણ તેમની વિચારશ્રેણી એવી હતી કે, તેમાં કઈ જગ્યાએ આપણા વિચારને સ્થાન આપ્યું છે અથવા આપ્યું છે કે નહીં તેની આપણને તો ખબર ન જ પડે. ગોખલેનાં બધાંયે ભાષણ વખતે હું , હાજર હતો, પણ મને એવો પ્રસંગ યાદ નથી કે જ્યારે મેં એમ ઇચ્છયું હોય કે અમુક વિચાર અથવા અમુક વિશેષણ તેમણે ન વાપર્યું હોત તો સારું. તેમના વિચારની સ્પષ્ટતા, દૃઢતા વિનય ઇત્યાદિ તેમના અત્યંત પરિશ્રમને અને સત્યપરાયણતાને આભારી હતાં.

જોહાનિસબર્ગમાં કેવળ હિંદીઓની જંગી સભા પણ થવી જોઈએ જ. માતૃભાષાની મારફતે જ બોલવું, અથવા તો રાષ્ટ્રભાષા હિંદુસ્તાનીની મારફતે જ બોલવું, એ મારો આગ્રહ પૂર્વકાળથી જ ચાલુ છે. એ આગ્રહથી દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની સાથેનો મારો સંબંધ સરળ અને નિકટ થઈ શકયો. એથી હું ઇચ્છતો હતો કે હિંદીઓની પાસે ગોખલે પણ હિંદુસ્તાની ભાષામાં બોલે તો સારું. આ બાબતમાં ગોખલેના વિચારો હું જાણતો હતો. ભાંગીતૂટી હિંદીથી તો પોતાનું કામ ન જ ચલાવે એટલે કાં તો મરાઠીમાં અથવા તો અંગ્રેજીમાં જ બોલે. મરાઠીમાં બોલવું તેમને કૃત્રિમ લાગ્યું અને તેમાં બોલે તોયે ગુજરાતીઓને સારુ અને ઉત્તર હિંદુસ્તાનના નિવાસી શ્રોતાઓને સારુ તેનો હિંદુસ્તાનીમાં તો તરજુમો કરવો જ રહ્યો. તો પછી અંગ્રેજીમાં કાં નહીં? સારે નસીબે મરાઠી બોલવાને સારુ ગોખલે