પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩. ગોખલેનો પ્રવાસ (ચાલુ)


જોહાનિસબર્ગથી અમારે પ્રિટોરિયા જવાનું હતું, પ્રિટોરિયામાં યુનિયન સરકાર તરફથી નિમંત્રણ હતું તે પ્રમાણે તેઓએ હોટલમાં તેમને સારુ રોકેલી જગ્યામાં ઊતરવાનું હતું. અહીં ગોખલેને યુનિયન સરકારના પ્રધાનમંડળને મળવાનું હતું. તેમાં જનરલ બોથા અને જનરલ સ્મટ્સ પણ હતા. ઉપર જણાવી ગયો છું તે પ્રમાણે કાર્યક્રમ એવો બનાવ્યો હતો કે હમેશાં કરવાનાં કાર્યોની ખબર હું તેમને સવારના આપતો હતો, અથવા તો તે પૂછે તો આગલી રાત્રે. પ્રધાનમંડળને મળવાનું કાર્ય ઘણું જવાબદારીનું હતું. અમે બન્નેએ નિશ્ચય કર્યો હતો કે મારે તેમની સાથે ન જવું, જવાની માગણી ન કરવી. મારી હાજરી હોવાથી પ્રધાનમંડળ અને ગોખલેની વચ્ચે કંઈક ને કંઈક અંતરપટ પડે, તેઓ પેટ ભરીને સ્થાનિક હિંદીઓની અને ઈચ્છામાં આવે તો મારી જે ભૂલ માનતા હોય તે ન બતાવી શકે. તેઓ કંઈ કરવાને માગતા હોય તો તે પણ મોકળે મને ન કહી શકે. તેથી ગોખલેની જવાબદારી બેવડી થતી હતી. કંઈક હકીકતની ભૂલ થાય અથવા તો નવી હકીકત તેઓ કહે તેનો ઉત્તર ગોખલેની પાસે ન હોય અથવા હિંદીઓની વતી કંઈ કબૂલાત આપવાની હોય તો શું કરવું એ મારી હાજરી વિના અથવા દક્ષિણ આફ્રિકાના કોઈ પણ હિંદી જવાબદાર નેતા હાજર ન હોય ત્યારે શું કરવું પ્રશ્ન થઈ પડયો. પણ તેનો નિકાલ ગોખલેએ જ તુરત કર્યો. મારે તેમને સારુ અથથી તે ઇતિ સુધી હિંદવાસીઓની સ્થિતિનું તારણ તૈયાર કરવું. હિંદીઓ કયાં લગી જવાને તૈયાર હોય તે પણ લખી નાખવું. તેની બહારનું કંઈ પણ આવે તો ગોખલેએ પોતાનું અજ્ઞાન કબૂલ કરી લેવું, એ નિશ્ચય કર્યો અને નિશ્ચયની સાથે જ નિશ્ચિંત થયા. હવે વાત માત્ર એવું તારણ તૈયાર કરવાની અને તેમણે તે વાંચી લેવાની રહી. વાંચવા જેટલો વખત તો મેં રાખ્યો જ ન હતો. ગમે તેટલું ટૂંકું તારણ કરું છતાં અઢાર વર્ષનો ચાર સંસ્થાનોનો હિંદી સ્થિતિનો ઈતિહાસ હું દસ વીસ પાનાં વિના કઈ રીતે આપી શકું? વળી તારણ વાંચ્યા પછી તેમને સૂઝે તેવા કંઈક સવાલો