પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમ જ ગોરાઓનાં મન હરણ કરી ગોખલેએ દક્ષિણ આફ્રિકાનો કિનારો છોડયો. તેમની ઈચ્છાથી કૅલનબૅક અને હું તેમને ઝાંઝીબાર લગી વળાવવા ગયા હતા. તેમને સારુ સ્ટીમરમાં અનુકૂળ આવે એવા ખોરાકની સગવડ કરી હતી. રસ્તામાં ડેલાગોઆ બે, ઈન્હામબેન, ઝાંઝીબાર વગેરે બંદરો પર તેમને ખૂબ માન આપવામાં આવ્યું હતું.

સ્ટીમરમાં અમારી વચ્ચે વાતો કેવળ હિંદુસ્તાનની અથવા તેમાંથી ઉત્પન્ન થતા ધર્મની જ થાય. દરેક વાતમાં તેમની કોમળ લાગણી, તેમની સત્યપરાયણતા અને તેમનું સ્વદેશાભિમાન ઝળકી ઊઠતું. મેં જોયું કે સ્ટીમરમાં તે રમત રમતા તેમાંયે રમતના કરતાં હિંદુસ્તાની સેવાનો ભાવ વિશેષ હતો. તેમાંયે સંપૂર્ણતા તો જોઈએ જ.

સ્ટીમરમાં અમને નિરાંતે વાતો કરવાની ફુરસદ તો મળતી જ. તેમાં તેમણે મને હિંદુસ્તાનને સારુ તૈયાર કરેલો. હિંદુસ્તાનના દરેક નેતાનું પૃથકકરણ કરી બતાવ્યું હતું તે વર્ણનો એટલાં આબેહૂબ હતાં કે તે તે નેતાઓ વિશે મેં જે અનુભવ્યું તેમાં ને તેમના આલેખન વચ્ચે ભાગ્યે જ તફાવત મેં જોયો છે.

દક્ષિણ આફ્રિકાના ગોખલેના પ્રવાસમાં તેમની સાથેના સંબંધનાં એવાં તો ઘણાંયે પવિત્ર સ્મરણો છે કે જે હું અહીં આપી શકું; પણ સત્યાગ્રહના ઈતિહાસ સાથે તેનો સંબંધ નથી તેથી મારે અનિચ્છાએ પણ મારી કલમને રોકવી પડે છે. ઝાંઝીબારમાં થયેલો વિયોગ અમને બંનેને અતિશય દુ:ખદાયક હતો, પણ દેહધારીઓના નિકટમાં નિકટ સહવાસ પણ છેવટે બંધ થાય જ છે એમ સમજીને કૅલનબૅકે અને મેં સંતોષ વાળ્યો, અને બંનેએ આશા રાખી કે ગોખલેની ભવિષ્યવાણી ફળો અને અમે બંને એક વર્ષની અંદર હિંદુસ્તાન જઈ શકીએ. પણ એ અસંભવિત થયું.

એમ છતાં ગોખલેની દક્ષિણ આફ્રિકાની મુલાકાતે અમને વધારે દૃઢ કર્યા, અને જ્યારે લડત ફરી પાછી તીવ્ર રૂપે શરૂ થઈ ત્યારે એ મુલાકાતનો મર્મ અને તેની આવશ્યકતા વધારે સમજાયાં. જો ગોખલેનો પ્રવાસ દક્ષિણ આફ્રિકામાં ન થયો હોત, પ્રધાનમંડળની મુલાકાત તેમને ન થઈ હોત તો ત્રણ પાઉંડના કરને લડતનો વિષય અમે ન જ કરી શકત. જો કાળો કાયદો રદ થઈ સત્યાગ્રહની