પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪. વચનભંગ


દક્ષિણ આફ્રિકાની લડાઈના સત્યાગ્રહમાં એટલી બધી સૂક્ષ્મતા વાપરવામાં આવી હતી કે પ્રચલિત નીતિની વિરુદ્ધ એક પણ પગલું નહોતું ભરાતું, એટલું જ નહીં પણ અયોગ્ય રીતે સરકારને ન રંજાડી શકાય એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવામાં આવતી હતી, જેમ કે કાળો કાયદો કેવળ ટ્રાન્સવાલના હિંદીઓને જ લાગુ પાડવામાં આવ્યો હતો તેથી સત્યાગ્રહનીતિમાં કેવળ ટ્રાન્સવાલના હિંદીઓને જ દાખલ કરવામાં આવતા હતા. નાતાલ, કેપકૉલોની ઈત્યાદિથી ભરતી કરવાનો કાંઈ પણ પ્રયત્ન નહોતો કરવામાં આવ્યો, એટલું જ નહીં પણ ત્યાંથી આવેલાં કહેણ પણ પાછાં વાળવામાં આવ્યાં હતાં, અને લડાઈની મર્યાદા પણ એ કાયદો રદ કરાવવા પર્યતની જ હતી. આ વસ્તુને નહોતા ગોરાઓ સમજી શકતા, નહોતા હિંદીઓ સમજી શકતા. આરંભકાળમાં હિંદીઓ તરફથી એવી માગણી થયા કરતી કે, જે લડાઈ શરૂ કર્યા પછી કાળા કાયદા સિવાયનાં બીજાં દુ:ખોને પણ લડાઈના હેતુઓમાં ભેળવી શકાય તો કેમ ન ભેળવીએ ? ધીરજથી મેં સમજાવ્યું કે, તેમાં સત્યનો ભંગ થાય એવું છે અને જ્યાં સત્યનો જ આગ્રહ છે ત્યાં સત્યના ભંગ જેવી વાત કેમ થઈ શકે ? શુદ્ધ લડાઈમાં તો લડાઈ કરતાં કરતાં લડવૈયાનું બળ વધતું જેવામાં આવે તોયે તે આરંભકાળે નીમેલા હેતુ ઉપરાંત આગળ જઈ જ ન શકે, અને તેથી ઊલટું જે હેતુને સારુ લડાઈ કરી હોય તે હેતુનો, લડવાનું બળ વખત જતાં ક્ષીણ થાય છતાં, ત્યાગ પણ ન કરી શકાય. આ બંને સિદ્ધાંતનો દક્ષિણ આફ્રિકામાં સંપૂર્ણ અમલ થયો. લડાઈના આરંભમાં જે બળ ઉપર હતુ રચવામાં આવ્યો હતો તે બળ પાછળથી ખોટું નીવડયું એ આપણે જોઈ શકયા, છતાં મૂઠી જેટલા બાકી રહેલા સત્યાગ્રહીઓ એ લડાઈને છોડી ન શક્યા. આમ ઝૂઝવું પ્રમાણમાં સહેલું હતું, પણ બળની વૃદ્ધિ થવા છતાં હેતુમાં વૃદ્ધિ ન કરવી એ વધારે કઠિન છે અને તેમાં વધારે સંયમ રહેલો છે, એવી લાલચો દક્ષિણ આફ્રિકામાં અનેક જગ્યાએ પ્રાપ્ત થઈ, પણ તેનો લાભ એક પણ વેળાએ નથી ઉઠાવ્યો એમ