પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું નિશ્ચયપૂર્વક કહી શકું છું, અને તેથી ઘણીયે વેળા મેં કહ્યું છું કે સત્યાગ્રહીને સારુ એક જ નિશ્ચય હોય. તે નથી ઓછું કરી શકતો, નથી વધારે કરી શકતો, તેમાં નથી ક્ષયને અવકાશ કે નથી વૃદ્ધિને અવકાશ. મનુષ્યો જે માપ પોતાને સારુ આંકે તે માપથી જગત પણ તેને અાંકતું થઈ જાય છે. આવી સૂક્ષ્મ નીતિનો સત્યાગ્રહી દાવો કરે છે એમ સરકારે જાણ્યું એટલે, જોકે એવું નીતિનું એકે ધોરણ પોતાને લાગુ ન પડે છતાં, સરકારે સત્યાગ્રહીઓને તેઓએ રચેલા માપથી માપવાનું શરૂ કર્યું, અને બેચાર વેળા નીતિભંગનો આરોપ સત્યાગ્રહીઓ ઉપર મૂકયો. કાળા કાયદા પછી હિંદીઓની સામે નવા ધારા ઘડાય તેનો સમાવેશ લડાઈમાં થઈ શકે છે એ બાળક પણ સમજી શકે એવી વાત છે, છતાં જ્યારે નવા દાખલ થનાર હિંદીઓ ઉપર નવો અંકુશ મૂકવામાં આવ્યો ને તેને લડાઈના હેતુમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે સરકારે નવી વસ્તુઓ ભેળવ્યાનો આરોપ મૂકયો. એ તદ્દન અયોગ્ય આરોપ હતો. જે નવા દાખલ થનાર હિંદીઓને પૂર્વે ન હતી એવી અટકાયત કરવામાં આવે તો તેઓને પણ લડાઈમાં દાખલ કરવાનો હક હોવો જોઈએ અને તેથી સોરાબજી વગેરે દાખલ થયા એ આપણે જોઈ ગયા. સરકારથી આ સાંખી ન શકાય, પણ નિષ્પક્ષપાત લોકોને આ પગલાંની યોગ્યતા સમજાવતાં મને જરાયે મુશ્કેલી નહોતી આવી. આવો પ્રશ્ન ગોખલે જતાં ફરી ઉત્પન્ન થયો. ગોખલેએ તો ધાર્યું હતું કે ત્રણ પાઉંડનો કર એક વર્ષની અંદર રદ થશે જ, અને તેના જવા પછી બેસનારી દક્ષિણ આફ્રિકાની પાર્લમેન્ટમાં રદ કરવાનો કાયદો દાખલ થશે. તેને બદલે જનરલ સ્મટ્સે તે પાર્લમેન્ટમાં એમ જાહેર કર્યું કે, નાતાલના ગોરાઓ એ કર રદ કરવા તૈયાર ન હોવાથી દક્ષિણ આફ્રિકાની સરકાર તે રદ કરવાનો કાયદો પસાર કરવા અસમર્થ છે. વસ્તુતઃ એવું કાંઈ નહોતું. યુનિયન પાર્લમેન્ટમાં ચાર સંસ્થાનો છે તેમાં એક નાતાલના સભ્યોનું કાંઈ ચાલી શકે તેમ નહોતું. વળી પ્રધાનમંડળે રજૂ કરેલો કાયદો પાર્લમેન્ટ નામંજૂર કરે ત્યાં લગી તેણે પહોંચવાની આવશ્યકતા હતી. તેમાંનું કાંઈ જનરલ સ્મટ્સે નહોતું કર્યું. તેથી અમને આ ઘાતકી કરને પણ લડાઈના કારણમાં દાખલ