પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અત્યારે યાદ છે તે પ્રમાણે ૬૫ કે ૬૬ વધારેમાં વધારે નામ મોકલ્યાં, અને ૧૬ ઓછામાં ઓછાં, આટલી નાનકડી સંખ્યાને સારુ હિંદુસ્તાનથી પૈસાની મદદની હું અપેક્ષા નહીં રાખું એ પણ જણાવ્યું. અમારે વિશે નિશ્ચિંત રહેવા અને પોતાના શરીરને ઘસી ન નાખવાની પણ વિનંતી કરી. દક્ષિણ આફ્રિકાથી મુંબઈ પાછા ફર્યા પછી તેમની પર નબળાઈ ઇત્યાદિના કેટલાક આક્ષેપો મૂકવામાં આવ્યા હતા તેનું મને વર્તમાનપત્રો દ્વારા તેમ જ બીજી રીતે જ્ઞાન થઈ ચૂકર્યું હતું, તેથી હું ઇચ્છતો હતો કે હિંદુસ્તાનમાં અમને પૈસા મોકલવાની કંઈ પણ હિલચાલ એઓ ન કરે. પણ ગોખલેનો કડક ઉત્તર મને મળ્યો : 'જેમ તમે લોકો તમારો ધર્મ દક્ષિણ આફ્રિકામાં સમજો છો તેમ અમે પણ કાંઈક અમારો ધર્મ સમજતા હોઈશું. અમારે શું કરવું યોગ્ય છે એ તમને નહીં કહેવા દઈએ. મેં તો માત્ર ત્યાંની સ્થિતિ જાણવાને ઇચ્છયું હતું. અમારા તરફથી શું થવું જોઈએ એ વિશે સલાહ નહોતી માગી.' આ શબ્દોનો ભેદ હું સમજ્યો. મેં ત્યાર પછી કોઈ દિવસે આ વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં, લખ્યો નહીં. તેમણે એ જ કાગળમાં મને આશ્વાસન આપ્યું હતું અને ચેતવણી પણ આપી હતી. જ્યારે આ રીતે વચનભંગ થયો ત્યારે લડત બહુ લંબાશે એવો તેમને ભય રહ્યો અને ખોબા જેટલા માણસથી કયાં લગી ટકકર ઝીલી શકાશે એ વિશે તેમને શંકા રહી. અહીં અમે તૈયારીઓ માંડી. હવેની લડાઈમાં શાંતિથી બેસવાનું તો હોય જ નહીં. જેલ લાંબી ભોગવવી પડશે એ પણ સમજાયું. ટૉલ્સટૉય ફાર્મ બંધ કરવાનો નિશ્ચય થયો. કેટલાંક કુટુંબો પોતાનો પુરુષવર્ગ જેલમાંથી છૂટયા બાદ પોતપોતાને ઘેર ગયાં. બાકી રહેનારામાં મુખ્ય ભાગે ફિનિક્સના હતા. એટલે હવે પછી સત્યાગ્રહીઓનું મથક ફિનિકસ કરવું એવો નિશ્ચય થયો. વળી ત્રણ પાઉંડની લડતની અંદર જો ગિરમીટિયા ભાગ લે, તો તેઓને મળવું વગેરે પણ નાતાલમાં વધારે સગવડવાળું થઈ શકે તેથી પણ ફિનિક્સ થક કરવાનો નિશ્ચય કર્યો.

હજી લડત શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી તેટલામાં એક નવું વિઘ્ન આવી પડયું, જેથી સ્ત્રીઓને પણ લડાઈમાં દાખલ થવાની તક મળી. કેટલીક બહાદુર સ્ત્રીઓએ તેમાં ભાગ લેવાની