પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


માગણી પણ કરી હતી, અને જ્યારે ફેરીના પરવાના બતાવ્યા વિના ફેરી કરી જેલમાં જવાનું શરૂ થયું હતું ત્યારે ફેરી કરનારની સ્ત્રીઓએ પણ જેલમાં જવાની ઈચ્છા બતાવી હતી. પણ તે વખતે પરદેશમાં સ્ત્રીવર્ગને જેલમાં મોકલવાનું અમને સૌને અયોગ્ય લાગ્યું. જેલમાં મોકલવાનું કારણ પણ નહીં જણાયું અને તેઓને જેલમાં લઈ જવાની મારી તો તે વખતે હિંમત પણ નહોતી. અને તેની સાથે એમ પણ જણાયું કે જે કાયદો મુખ્યત્વે કરીને પુરુષવર્ગને જ લાગુ પડતો હોય તે કાયદાને રદ કરાવવામાં સ્ત્રીઓને હોમવી એમાં પુરુષવર્ગને હીણપત પણ લાગે. પણ હવે એક બનાવ એવો બન્યો કે જેમાં સ્ત્રીઓનું ખાસ અપમાન થતું હતું, અને જે અપમાન દૂર કરવાને સારુ સ્ત્રીઓ પણ હોમાય તો ખોટું નહીં એમ જણાયું.


૧પ. વિવાહ તે વિવાહ નહીં


કેમ જાણે અદૃશ્ય રહ્યો ઈશ્વર હિંદુઓની જીતની સામગ્રી તૈયાર ન કરી રહ્યો હોય અને દક્ષિણ આફ્રિકાના ગોરાઓનો અન્યાય હજુ પણ વધારે સ્પષ્ટ રીતે બતાવવા ન ઈચ્છતો હોય એમ કોઈએ ન ધારેલો એવો બનાવ બન્યો. હિંદુસ્તાનથી ઘણા વિવાહિત માણસો દક્ષિણ આફ્રિકામાં આવેલા હતા, અને કેટલાક ત્યાં જ પરણ્યા હતા. હિંદુસ્તાનમાં સામાન્ય વિવાહ રજિસ્ટર કરવાનો કાયદો તો છે જ નહીં. ધાર્મિક ક્રિયા બસ ગણાય છે. દક્ષિણ આફ્રિકામાં પણ હિંદુસ્તાનીઓને વિશે એ જ પ્રથા હોવી જોઈએ, અને ચાળીસ વર્ષ થયાં હિંદીઓ દક્ષિણ આફ્રિકામાં વસતા આવ્યા હતા, છતાં કોઈ વખત હિંદુસ્તાનના જુદા જુદા ધર્મ મુજબ થયેલા વિવાહ રદ ગણાયા ન હતા. પણ આ સમયે એક કેસ એવો થયો કે જેમાં ન્યાયાધીશે ઠરાવ આપ્યો કે દક્ષિણ આફ્રિકાના કાયદામાં ખ્રિસ્તી ધર્મ પ્રમાણે થયેલ વિવાહ – વિવાહના અમલદારની પાસે જે રજિસ્ટર થયેલ હોય તે – સિવાયના વિવાહને સ્થાન નથી, એટલે કે હિંદુ, મુસલમાન, પારસી ઇત્યાદિ ધર્મક્રિયા પ્રમાણે થયેલા વિવાહ