પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો કહી શકાય કે પોતે નથી ઓળખી શકતા એવી અલૌકિક શક્તિને તેઓ જરૂર માને છે અને પૂજે છે, એ શક્તિથી ડરે છે પણ ખરા. શરીરનાશની સાથે મનુષ્યનો સર્વથા નાશ નથી થતો એમ પણ તેઓને ઝાંખું ઝાંખું ભાસે છે, જે નીતિને આપણે ધર્મનો પાયો ગણીએ તો તેઓ નીતિ માનનારા હોઈ ધર્મી પણ ગણી શકાય. સાચ અને જૂઠનો તેમને પૂરો ખ્યાલ છે. પોતાની સ્વાભાવિક અવસ્થામાં જેટલે દરજજે તેઓ સત્યને જાળવે છે તેટલે દરજજે ગોરાઓ અથવા આપણે જાળવીએ છીએ કે નહીં એ શકભરેલી વાત છે. દેવળો વગેરે તેઓને હોતાં નથી. બીજી પ્રજાઓની જેમ તેઓમાં પણ ઘણી જાતના વહેમો જોવામાં આવે છે. વાંચનારને આશ્ચર્ય થશે કે શરીરની મજબૂતીમાં જગતમાં કોઈ પણ કોમથી ન ઊતરે એવી આ કોમ ખરે એટલી મોળી છે કે ગોરા બાળકને જુએ તોપણ ડરે છે. જે કોઈ તેની સામે રિવૉલ્વર તાકે તો કાં તો તે ભાગી જશે અથવા તો એવો મૂઢ બની જશે કે તેનામાં ભાગવાની તાકાત પણ નહીં રહે. આનું કારણ તો છે જ. મૂઠીભર ગોરાઓ આવી જંગી અને જંગલી કોમને વશ કરી શક્યા છે એ કોઈ જાદુ હોવું જોઈએ એમ તેને ઠસી ગયું છે. તેને ભાલાનો અને તીરકામઠાનો ઉપયોગ તો સારી રીતે આવડતો હતો. તે તો છીનવી લેવામાં આવ્યાં છે. બંદૂક તો કોઈ દિવસ ન જોયેલી, ન ફોડેલી. જેને નથી દીવાસળી લગાવવી પડતી, નથી હાથની અાંગળી ચલાવવા સિવાય બીજી કંઈ ગતિ કરવી પડતી, છતાં એક નાની સરખી ભૂંગળીમાંથી એકાએક અવાજ નીકળે છે, ભડકો જોવાય છે અને ગોળી વાગી ક્ષણમાત્રમાં માણસના પ્રાણ જાય છે એ તેનાથી સમજી શકાતું નથી. એથી એ સદાય એ વસ્તુ વાપરનારના ડરથી બેબાકળો રહે છે. તેણે અને તેના બાપદાદાઓએ અનુભવ્યું છે કે એવી ગોળીઓએ અનેક નિરાધાર અને નિર્દોષ હબસીઓના પ્રાણ લીધા છે. તેનું કારણ તેઓમાં ઘણા આજ લગી પણ જાણતા નથી.

આ કોમમાં ધીમે ધીમે “સુધારો” પ્રવેશ કરતો જાય છે. એક તરફથી ભલા પાદરીઓ તેઓ સમજયા છે તે રૂપમાં ઈશુ ખ્રિસ્તનો