પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વગર પરવાને પ્રવેશ કરવાના ગુના સારુ પકડાવી દેવાની હતી. એવો ભય હતો કે જો પ્રથમથી આ પગલાની વાત જાહેર કરવામાં આવે તો તેઓને સરકાર ન પકડે તેથી બેચાર મિત્રો સિવાય કોઈને આ વાતની જાણ મેં કરી નહોતી. સરહદ ઓળંગતી વેળા પોલીસના અમલદાર હમેશાં નામઠામ પૂછે. આ વખતે નામઠામ ન આપવાં એ પણ યોજનામાં હતું. અમલદારને નામઠામ ન આપવાં એ પણ એક નોખો ગુનો ગણાતો હતો. નામઠામ આપતાં તેઓ મારા સગાંસંબંધીમાંના છે એમ જાણે તો પોલીસ ન પકડે એ ભય હતો, તેથી નામઠામ ન આપવાનો ઇરાદો કર્યો હતો, અને આ પગલાની સાથે જે જે બહેનો ટ્રાન્સવાલમાં પકડાવાનો પ્રયત્ન કરી રહી હતી તે બહેનોને નાતાલમાં દાખલ થવાનું હતું, જેમ નાતાલમાંથી ટ્રાન્સવાલમાં પરવાના વિના દાખલ થવું એ ગુનો ગણાતો તેમ જ ટ્રાન્સવાલમાંથી નાતાલમાં દાખલ થવા વિશે પણ હતું. એટલે આ બહેનોએ જો તેમને પકડે તો નાતાલમાં પકડાવાનું હતું, અને જે ન પકડે તો તેઓએ નાતાલમાં કોલસાની ખાણો હતી તેના મથક ન્યૂકૅસલમાં જઈ ત્યાં મજૂરોને નીકળી જવા વીનવવા એમ ઠર્યું હતું. આ બહેનોની માતૃભાષા તામિલ હતી; તેમને થોડુંઘણું હિંદુસ્તાની પણ આવડે જ, અને મજૂરવર્ગનો ઘણો ભાગ મદ્રાસ ઇલાકાનો તામિલ, તેલુગુ ઇત્યાદિ હતો. બીજા પણ પુષ્કળ હતા. જો મજૂરો આ બહેનોની વાત સાંભળી પોતાનું કામ છોડે તો તેઓને મજૂરોની સાથે સરકાર પકડયા વિના ન જ રહે; તેથી મજૂરોમાં વધારે ઉત્સાહ આવે એવો પૂરો સંભવ હતો. આ પ્રમાણે વ્યૂહરચના મનમાં ગોઠવી ટ્રાન્સવાલની બહેનોને સમજણ આપી હતી. પછી હું ફિનિકસ ગયો. ફિનિકસમાં સૌને સાથે બેસીને વાત કરી. પ્રથમ તો ફિનિકસમાં રહેતી બહેનોની સાથે મસલત કરવાની હતી. બહેનોને જેલમાં મોકલવાનું પગલું ઘણું ભયંકર છે એ હું જાણતો હતો. ફિનિકસમાં રહેનારી ઘણી બહેનો ગુજરાતી હતી. તેથી પેલી ટ્રાન્સવાલવાળી બહેનોના જેવી કસાયેલી અથવા અનુભવવાળી ન ગણાય. વળી ઘણીખરી મારી સગી એટલે કેવળ મારી શરમને લીધે જ જેલમાં જવાનો વિચાર કરે, અને પછી અણીને વખતે