પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬. સ્ત્રીઓ કેદમાં

આ ટુકડી સરહદ ઓળંગી વગર પરવાને ટ્રાન્સવાલમાં દાખલ થવા સારુ કેદમાં જવાની હતી. નામો ઉપરથી વાંચનાર જોશે કે એ નામોમાંનાં કેટલાંક એવાં છે કે પ્રસિદ્ધ થયે પોલીસ તેઓને કદાચ ન પકડે. મારે વિશે એમ જ થયું હતું. બેએક વાર પકડાયા પછી સરહદ ઓળંગતી વેળા મને પકડવાનું પોલીસે છોડી દીધું હતું. આ ટુકડીના નીકળવાની ખબર કોઈને નહોતી આપવામાં આવી. છાપાંને તો શાની અપાય ? વળી તેઓને એવી સમજૂતી આપવામાં આવી હતી કે, તેઓએ પોલીસને પણ પોતાનાં નામઠામ ન આપવાં અને પોલીસને કહેવું કે અદાલતમાં નામ આપીશું.

પોલીસની આગળ આવા કેસ ઘણી વેળા આવતા. હિંદીઓને પકડાવાની આદત પડયા પછી ઘણી વેળા તો કેવળ મીઠી પજવણી કરવાને સારુ પણ તેઓ નામ ન આપતા. એટલે પોલીસને આ વેળા કંઈ વિચિત્ર ન લાગ્યું. પોલીસે આ ટુકડીને પકડી. કેસ ચાલ્યો ને બધાને ત્રણ ત્રણ માસની સખત મજૂરીની કેદ મળી.

જે બહેનો ટ્રાન્સવાલમાં પકડાવાના પ્રયત્નમાં નિરાશ થઈ હતી તે નાતાલમાં દાખલ થઈ. તેઓને વગર પરવાને દાખલ થવા સારુ પોલીસે ન પકડી. જો ન પકડે તો તેઓએ ન્યૂકૅસલમાં થાણું કરી કોલસાની ખાણના હિંદી મજૂરોને પોતાનું કામ છોડવા વીનવવા એમ ઠર્યું હતું. ન્યૂકૅસલ નાતાલમાં કોલસાની ખાણોનું મથક છે. આ ખાણોમાં મુખ્યત્વે હિંદી મજૂરો હતા. બહેનોએ કામ શરૂ કર્યું. તેની અસર વીજળીની જેમ ફેલાઈ. ત્રણ પાઉંડના કરની હકીકતે મજૂરોને પિગળાવ્યા. તેઓએ પોતાનું કામ છોડયું. મને તાર મળ્યો. હું રાજી થયો પણ તેટલો જ ગભરાયો. મારે શું કરવું? હું આ અદ્દભુત જાગૃતિને સારુ તૈયાર ન હતો. મારી પાસે પૈસા ન હતા; ન હતા એટલા માણસો કે જેઓ આ કાર્યને પહોંચી વળે. મારી ફરજ હું સમજતો હતો. મારે ન્યૂકૅસલ જવું ને જે થાય તે કરવું. હું ઊપડયો.