પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મને ઇલાજ મળ્યો. મારે આ ટુકડીને ટ્રાન્સવાલમાં લઈ જવી, ને જેમ પેલા સોળ પકડાઈ ગયા તેમ આમને જેલમાં બેસાડી દેવા. આ લોકોને થોડા થોડાની સંખ્યામાં વહેંચી નાખી તેમની પાસે સરહદ ઓળંગાવવી, એ વિચાર થયો તેવો જ મેં રદ કર્યો. તેમાં ઘણો સમય જાય ને જે સામુદાયિક પગલાંની અસર પડે તે થોડા થોડાના જેલ જવાની ન પડે.

મારી પાસે લગભગ પાંચ હજાર માણસ એકઠા થયા હશે. તે બધાને ટ્રેનથી ન લઈ જવાય. એટલા પૈસા કયાંથી કાઢું? અને એમાં લોકોની પરીક્ષા ન થઈ શકે. ન્યૂકૅસલથી ટ્રાન્સવાલની સરહદ ૩૬ માઈલ હતી. નાતાલનું સરહદી ગામ ચાર્લ્સટાઉન હતું; ટ્રાન્સવાલનું વૉક્સરસ્ટ હતું. અંતે પગપાળા મુસાફરી કરવી એવો મેં નિશ્ચય કર્યો. મજૂરોની સાથે મસલત કરી. તેમાં સ્ત્રીઓ, બચ્ચાં વગેરે હતાં. કેટલાકે આનાકાની કરી. હૃદય કઠણ કર્યા વિના મારી પાસે બીજો ઈલાજ ન હતો. જેને પાછું ખાણો ઉપર જવું હોય તે જઈ શકે છે, એમ જણાવ્યું. કોઈ પાછા જવાને તૈયાર ન હતા. જેઓ અપંગ હતા તેઓને ટ્રેનથી મોકલવાનો ઠરાવ કર્યો, બાકીના બધાએ પગે ચાલીને ચાર્લ્સટાઉન જવાની તૈયારી જાહેર કરી. આ મજલ બે દિવસમાં પૂરી કરવાની હતી. આમ કરવાથી છેવટે તો સહુ રાજી થયા. બિચારા લૅઝરસ કુટુંબને પણ કંઈક રાહત મળશે એમ પણ લોકો સમજ્યા, અને ન્યૂકૅસલમાં ગોરાઓ મરકીનો ભય રાખતા હતા ને અનેક પ્રકારનાં પગલાં ભરવા ઇચ્છતા હતા તેઓ ભયમુક્ત થયા ને તેઓનાં પગલાંના ભયમાંથી અમે મુક્ત થયા.

આ કૂચની તૈયારી ચાલતી હતી તેવામાં ખાણના માલિકોને મળવાનું મને કહેણ આવ્યું. હું ડરબન ગયો. પણ આ કિસ્સો નવું પ્રકરણ માગે.