પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લગી અમે હારવાના જ નથી, અમે દુઃખ સમજીએ છીએ, અમારી ચિંતા ન કરજો.' એવો નિર્ભય જવાબ મને મળ્યો.

મારે હવે તો કૂચ કરવાનું જ બાકી રહ્યું હતું. એક દિવસ મળસકે ઊઠીને કૂચ કરવાનું લોકોને કહી દીધું. રસ્તે ચાલવાના નિયમો સંભળાવ્યા. પાંચછ હજારનું ટોળું સાચવવું એ જેવી તેવી વાત ન હતી. તેઓની ગણતરી તો મારી પાસે હતી જ નહીં. નહોતાં નામઠામ. જે રહ્યા તે રહ્યા એ હિસાબ હતો. સૌને સવા શેર રોટી અને અઢી રૂપિયાભાર ખાંડ સિવાય બીજો ખોરાક આપવાની શક્તિ ન હતી. આ ઉપરાંત રસ્તામાં જો હિંદી વેપારીઓ કંઈ આપે તો તે માગી લઈશ એમ કહ્યું હતું. પણ લોકોએ રોટી અને ખાંડથી સંતોષ વાળવાનો હતો. મને બોઅર લડાઈ તથા હબસીની લડાઈમાં મળેલો અનુભવ ખૂબ કામમાં આવ્યો. સાથે જોઈ તે કરતાં વધારે કપડાં ન જ રખાય એ શરત તો હતી જ. રસ્તામાં કોઈનો માલ ન લેવાય, અમલદારો અથવા કોઈ અંગ્રેજ મળે, ગાળો દે અથવા માર પણ મારે તે સહન કરવો, કેદ કરે તો થઈ જવું, હું પકડાઈ જાઉં તોપણ તેઓએ કૂચ ચાલુ રાખવી વગેરે વાતોની સમજણ પાડી એક પછી એક માણસો મારી અવેજીમાં કોણ કોણ નિમાશે એ પણ જણાવ્યું.

લોકો સમજ્યા. કાફલો સહીસલામત ચાર્લ્સટાઉન પહોંચ્યો. ચાર્લ્સટાઉનમાં વેપારીઓએ ખૂબ મદદ કરી. પોતાનાં મકાનોનો ઉપયોગ આપ્યો. મસ્જિદના ફળિયામાં રસોઈ કરવાની રજા આપી. કૂચને વખતે જે ખોરાક અપાતો તે સ્થાયી મુકામમાં ન જ હોય એટલે રસોઈનાં વાસણો જોઈએ જ. તે પણ તેઓએ ખુશીથી આપ્યાં. ચોખા વગેરે તો મારી પાસે ખૂબ થઈ ગયા હતા. તેમાં પણ વેપારીઓએ પોતાનો હિસ્સો આપ્યો.

ચાર્લ્સટાઉન નાનું સરખું ગામડું ગણાય. તેમાં આ વેળા ભાગ્યે ચારપાંચ હજારની વસ્તી હશે; તેમાં આટલા માણસોને સમાવવા મુશ્કેલીની વાત હતી. બૈરાંછોકરાં વગેરેને જ મકાનોમાં રાખ્યાં. ઘણાંને તો મેદાનમાં જ મૂકી દીધાં હતાં.

અહીંનાં મધુર સ્મરણો ઘણાં છે ને કેટલાંક કડવાં પણ છે. મધુર સ્મરણમાં મુખ્યત્વે ચાર્લ્સટાઉનના આરોગ્યખાતાનું ને તેના આરોગ્યખાતાના