પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જેવા, નીતિ-અનીતિનો ભેદ બહુ ન જાણનારા લોકો પણ સારા વાતાવરણમાં કેવા સીધા ચાલે છે એ મેં આવે અનેક સમયે અનુભવ્યું છે. અને એ જાણવું વધારે આવશ્યક ને લાભદાયી છે.


૧૯. ટ્રાન્સવાલમાં પ્રવેશ


આપણે હવે સન ૧૯૧૩ના નવેમ્બરની શરૂઆતમાં છીએ. કૂચ કરીએ તેના પહેલાં બે બનાવોની નોંધ લઈ જઈએ. ન્યૂકૅસલમાં દ્રાવિડ બહેનો જેલ ગઈ તેથી બાઈ ફાતમા મહેતાબથી ન રહેવાયું એટલે તે પણ પોતાની મા અને સાત વર્ષના બચ્ચા સાથે જેલ જવા ઊપડી ગઈ ! મા- દીકરી તો પકડાયાં, પણ બચ્ચાને લેવાની સરકારે ચોખ્ખી ના પાડી. બાઈ ફાતમાનાં અાંગળાંની છાપ લેવાની પોલીસે કોશિશ કરી. પણ બાઈ ફાતમા નીડર રહી અને પોતાનાં અાંગળાં ન જ આપ્યાં.

આ વખતે હડતાળ પુરજોરમાં ચાલી રહી હતી. તેમાં જેમ પુરુષો તેમ સ્ત્રીઓ પણ આવતી. આમાંની બે માતાઓ પોતાનાં બાળકડાં સહિત હતી. એક બાળકને કૂચમાં શરદી થઈ ને તે મરણને શરણ થયું. બીજીનું બાળક એક વોંકળો ઓળગતાં તેની કાખેથી પડી ગયું અને ધોધમાં તણાઈ ડૂબી મૂઉં. પણ માતા નિરાશ ન થઈ. બંનેએ પોતાની કૂચ જારી રાખી. એકે કહ્યું : 'આપણે મૂએલાંનો શોક કરીને શું કરશું ? તે કાંઈ પાછાં આવશે ? જીવતાંની સેવા કરવી એ આપણો ધર્મ છે.' આવા શાંત બહાદુરીના, આવી ઈશ્વરઅાસસ્થાના, આવા જ્ઞાનના દાખલા ગરીબોમાં મેં અનેક વેળા અનુભવ્યા છે.

આવી દૃઢતાથી ચાર્લ્સટાઉનમાં સ્ત્રીપુરુષો પોતાનો કઠિન ધર્મ પાળી રહ્યાં હતાં. પણ અમે ચાર્લ્સટાઉનમાં કંઈ શાંતિને સારુ નહોતા આવ્યા. શાંતિ જેને જોઈએ તેણે અંતરમાંથી મેળવી લેવી. બહાર તો જ્યાં જુઓ ને જોતાં આવડે તો 'અહીં શાંતિ નથી મળતી' એવાં પાટિયાં નજરે પડે છે. પણ એ અશાંતિની વચ્ચે મીરાંબાઈ જેવી ભકતાણી