પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હાથમાં ઝેરનો પ્યાલો રાખી મોઢે માંડતી હસે છે. પોતાની અંધારી કોટડીમાં બેઠેલો સૉક્રેટિસ પોતાના હાથમાં ઝેરનો પ્યાલો રાખે છે, ને પોતાના મિત્રને ગૂઢ જ્ઞાન આપે છે અને આપણને શીખવે છે : 'જેને શાંતિ જોઈએ તેણે પોતાના હૃદયમાંથી શોધી લેવી.'

આવી જ શાંતિમાં સત્યાગ્રહીની ટુકડી છાવણી નાખી પ્રાતઃકાળે શું થશે તેની ચિંતા કરતી પડી હતી.

મેં તો સરકારને કાગળ લખ્યો હતો કે અમે ટ્રાન્સવાલમાં નિવાસ કરવાના હેતુથી પ્રવેશ નથી કરવા માગતા. અમારો પ્રવેશ સરકારના વચનભંગ સામેનો અમલી પોકાર છે; અને અમારા સ્વમાનભંગથી થતા દુ:ખની શુદ્ધ નિશાની છે. અમને તમે અહીં જ – ચાર્લ્સટાઉનમાં –પકડી લેશો તો અમે નિશ્ચિંત થઈશું. જો તમે નહીં જ કરો ને અમારામાંના કોઈ છાની રીતે ટ્રાન્સવાલમાં દાખલ થઈ જશે તો તેને સારુ અમે જવાબદાર પણ નહીં રહીએ. અમારી લડતમાં છાનું કાંઈ જ નથી, વ્યક્તિગત સ્વાર્થ કોઈને સાધવો નથી. કોઈ છાનો પ્રવેશ કરે તે અમને ન ગમે. પણ જ્યાં હજારો અજાણ્યા માણસોની સાથે કામ લેવાનું છે ને જ્યાં પ્રેમ સિવાય બીજું બંધન નથી, ત્યાં કોઈના કાર્યને વિશે અમે જવાબદાર નહીં થઈ શકીએ. વળી એટલું પણ જાણજો કે જે તમે ત્રણ પાઉંડનો કર કાઢી નાખો તો ગિરમીટિયા પાછા કામે વળગશે ને હડતાળ બંધ થશે. અમારાં બીજાં દુ:ખો મટાડવા સારુ તેમને અમે સત્યાગ્રહમાં નહીં જોડીએ.

એટલે સરકાર ક્યારે પકડે તે કહી ન શકાય એવી અનિશ્ચિત સ્થિતિ હતી. પણ સરકારના જવાબની રાહ કંઈ આવી સ્થિતિમાં દિવસો સુધી ન જોવાય. એક ટપાલ કે બે ટપાલની જ રાહ જોઈ શકાય. તેથી જે સરકાર પકડે નહીં તો તુરત જ ચાર્લ્સટાઉન છોડી ટ્રાન્સવાલમાં દાખલ થવાનો નિશ્ચય કર્યો. જો રસ્તામાં ન પકડે તો કાફલાએ હમેશાં વીસથી ચોવીસ માઈલની કૂચ આઠ દિવસની કરવાની હતી. આઠ દિવસમાં ટૉલ્સ્ટૉય ફાર્મ પહોંચવાનો ઈરાદો હતો, ને લડાઈ પૂરી થતાં લગી ત્યાં બધાએ રહેવું ને ફાર્મ ઉપર કામ કરી પોતાની આજીવિકા મેળવવી એવી ધારણા હતી. મિ. કૅલનબૅકે બધી તજવીજ કરી રાખી હતી. ત્યાં માટીનાં મકાનો બનાવવાં