પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો રાખતા જ હતા. પોતાના જાવા સંસ્થાનમાંથી કેટલાક વલંદા તેઓના પોતાના મલાયી ગુલામોને લઈને, જેને આપણે હવે કેપ કૉલોનીના નામથી ઓળખીએ છીએ ત્યાં દાખલ થયા. આ મલાયી લોકો મુસલમાન છે. તેઓમાં વલંદાનું લોહી છે અને તે જ પ્રમાણે તેના કેટલાક ગુણો પણ છે. તેઓ છૂટાછવાયા આખા દક્ષિણ આફ્રિકામાં પથરાયેલા જોવામાં આવે છે પણ તેઓનું મથક તો કેપટાઉન જ ગણાય. અાજ તેઓમાંના કેટલાક ગોરાઓની નોકરી કરે છે અને બીજા સ્વતંત્ર ધંધો કરે છે. મલાયી ઓરતો બહુ ઉદ્યોગી અને હોશિયાર હોય છે. તેમની રહેણી ઘણે ભાગે સ્વચ્છ જેવામાં આવે છે. અોરતો ધોબીનું અને સીવણનું કામ ઘણું સરસ કરી શકે છે. મરદો કોઈ નાનો સરખો વેપાર કરે છે. ઘણા ગાડી હાંકવાનો ધંધો કરી પોતાનો ગુજારો કરે છે. થોડાકે ઊંચા પ્રકારની અંગ્રેજી કેળવણી પણ લીધી છે. તેમાંના એક કેપટાઉનમાં ડૉક્ટર અબદુલ રહમાન પ્રખ્યાત છે. તે કેપટાઉનમાં જૂની ધારાસભામાં પણ પહોંચી શકયા હતા. નવા બંધારણ પ્રમાણે મુખ્ય ધારાસભામાં જવાનો એ હક છીનવી લેવામાં આવ્યો છે.

વલંદાનું થોડું વર્ણન કરતાં વચમાં મલાયી લોકોનું વર્ણન સહજ આવી ગયું, પણ હવે આપણે વલંદા લોકો કેમ આગળ વધ્યા એ જરાક જોઈ લઈએ. વલંદા એટલે ડચ એ મારે જણાવવાની જરૂર ન હોવી જોઈએ. આ લોકો જેટલા બહાદુર લડવૈયા હતા અને છે તેટલા જ કુશળ ખેડૂત હતા ને આજે પણ છે. તેઓએ જોયું કે પોતાની આસપાસનો મુલક ખેતીને સારુ બહુ લાયક છે. તેઓએ જોયું કે ત્યાંના વતની વરસમાં થોડો જ વખત કામ કરીને સહેલાઈથી પોતાનો ગુજારો કરી શકે છે. તેઓની પાસેથી મજૂરી કેમ ન લઈ શકાય? વલંદાની પોતાની પાસે કળા હતી, બંદૂક હતી, મનુષ્યોને બીજાં પ્રાણીઓની જેમ કેમ વશ કરવા એ તેઓ જાણી શકતા હતા. એમ કરવામાં ધર્મનો કશોયે બાધ નથી એવી તેમની માન્યતા હતી.. એટલે પોતાના કાર્યની યોગ્યતાને વિશે જરાયે શંકાશીલ થયા વિના તેઓએ દક્ષિણ આફ્રિકાના વતનીઓની મજૂરી વડે ખેતી વગેરે શરૂ કર્યા.