પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારે સારુ મોટર તો મિ. કૅલનબૅકે તૈયાર જ રાખી હતી. એટલે તેમાં બેસાડીને મને મારા કાફલાની પાસે પહોંચાડયો. ટ્રાન્સવાલના છાપાનો પ્રતિનિધિ અમારી સાથે આવવા માગતો હતો. તેને રજા આપી ને તેણે આ મોટરની મુસાફરીનો, કેસનો ને લોકોની સાથેના મેળાપનો સુંદર ચિતાર તે વેળા પ્રગટ કરેલો. લોકોએ મને વધાવી લીધો ને તેમના જુસ્સાનો પાર ન રહ્યો. મિ. કૅલનબૅક તુરત જ પાછા વૉક્સરસ્ટ રવાના થયા. તેમનું કામ ચાર્લ્સટાઉનમાં રહેલા ને બીજા આવનાર હિંદીઓને સંભાળવાનું હતું.

અમે ચાલ્યા, પણ મને છૂટો મૂકવો એ સરકારને ફાવે તેમ હતું જ નહીં. એટલે વળી પાછો મને બીજી વાર ને બીજે દિવસે સ્ટૅડરટનમાં પકડયો. સ્ટૅડરટન પ્રમાણમાં મોટું ગામડું છે. અહીં મને વિચિત્ર રીતે પકડવામાં આવ્યો. હું લોકોને રોટી વહેંચી રહ્યો હતો. અહીંના દુકાનદારોએ મુરબ્બાના ડબ્બાની ભેટ આપી હતી એટલે વહેંચવાના કામમાં જરા વધારે વખત જતો હતો. મૅજિસ્ટ્રેટ મારી પાસે આવી ઊભો. તેણે વહેંચવાનું કાર્ય પૂરું થવા દીધું. પછી તેણે મને કોરે બોલાવ્યો. તેને હું ઓળખતો હતો તેથી મેં ધાર્યું કે તે મને કંઈ વાત કરવા ઇચ્છતો હશે. તેણે તો મને હસીને કહ્યું :

'તું મારો કેદી છે.'

મેં કહ્યું : “મારો દરજજો ચડયો. પોલીસને બદલે મૅજિસ્ટ્રેટ પોતે પકડવા આવે; પણ મારી ઉપર કામ હમણાં જ ચલાવશો ને ?'

તેણે કહ્યું : 'મારી સાથે જ ચાલો. કોરટ તો ચાલે જ છે.' લોકોને મુસાફરી જારી રાખવાની ભલામણ કરી હું છૂટો પડયો. કોરટમાં પહોંચ્યો કે તુરત મેં મારા સાથીઓને પણ પકડાયેલા જોયા. તેઓ પી. કે. નાયડુ, બિહારીલાલ મહારાજ, રામનારાયણસિંગ, રઘુનારસુ અને રહીમખાન એમ પાંચ જણ હતા.

મને કોરટમાં તુરત ઊભો કર્યો. મેં મારે સારુ વૉક્સરસ્ટના જ કારણસર મુદત માગી. અહીં પણ સરકારી વકીલે વિરોધ કર્યો, અહીં પણ મૅજિસ્ટ્રેટે મુદત આપી. વેપારી લોકોએ મારે સારુ એક્કો તૈયાર રાખ્યો જ હતો. તેમાં બેસાડી મને હજુ તો લોકો ત્રણ