પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગોખલેની ઈચ્છા હતી કે, પોલાક હિંદુસ્તાન જઈ તેમને મદદ કરે. મિ. પોલાક જ્યાં હોય ત્યાં ઉપયોગી થઈ પડે એવો તેમનો સ્વભાવ જ હતો. જે કામ લે તેમાં તે તન્મય થઈ જાય. તેથી તેમને હિંદુસ્તાન મોકલવાની તૈયારી ચાલી રહી હતી. મેં તો લખી મોકલ્યું હતું કે તે જાય. પણ મને મળ્યા વિના ને પૂરી સૂચનાઓ મોઢેથી લીધા વિના જવાની તેમની ઈચ્છા ન થઈ; તેથી તેમણે મારી કૂચ દરમિયાન મળી જવાની માગણી કરી. મેં તાર દીધો કે, પકડાઈ જવાને જોખમે આવવું હોય તો આવી જાય. લડવૈયા જોઈતાં જોખમો હમેશાં વહોરી જ લે છે. સરકાર બધાને પકડી લે તો પકડાવાની તો આ લડત હતી જ. ન પકડે ત્યાં લગી પકડાવાની સીધી અને નીતિમય કોશિશો કરવાની હતી. એટલે મિ. પોલાકે પકડાવાનું જોખમ ખેડીને આવવાનું પસંદ કર્યું.

અમે હેડલબર્ગની પડોશ સુધી પહોંચ્યા હતા, ત્યાં તો પાસેના સ્ટેશન ઉપર ઊતરી ચાલીને અમને મળ્યા. અમારી વાતો ચાલી રહી હતી; લગભગ પૂરી પણ થવા આવી હતી. આ વેળા બપોરના ત્રણેક વાગ્યા હશે. અમે બંને સંઘને મોખરે હતા. બીજા સાથીઓ પણ અમારી વાતો સાંભળી રહ્યા હતા. સાંજના મિ. પોલાકને ડરબન જતી ટ્રેન લેવાની હતી. પણ રામચંદ્રજી જેવાને તિલકને જ સમયે વનવાસ મળ્યો તો પોલાક કોણ ? અમે વાતો કરતા હતા તેવામાં અમારી સામે ઘોડાગાડી આવી ઊભી. તેમાં એશિયાઈ ખાતાના ઉપરી મિ. ચમની અને પોલીસનો અમલદાર હતા. બંને નીચે ઊતર્યા. મને જરા દૂર લઈ ગયા ને એકે કહ્યું : 'હું તમને પકડુ છું.' આમ ચાર દિવસમાં ત્રણ વાર પકડાયો. મેં પૂછયું : 'કાફલાનું ?'

'એ થઈ રહેશે.'

હું કંઈ ન બોલ્યો. મને માત્ર મારા પકડાવાની જ ખબર લોકોને આપવા દીધી. મેં પોલાકને કહી દીધું કે, તે કાફલાની સાથે જાય. લોકોને શાંતિ જાળવવા વગેરેનું કહેવાનું આરંભ્યું તો અમલદાર સાહેબ બોલ્યા :

'હવે તમે કદી છો; ભાપણો ન અપાય.'