પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારી મર્યાદા સમજ્યો સમજવાની જરૂર તો નહોતી, કેમ કે મને બોલતો બંધ કરવાની સાથે જ અમલદારે ગાડીવાનને જોરથી ગાડી હાંકી જવાનો હુકમ કર્યો. એક ક્ષણમાં કાફલો અદૃશ્ય થયો.

અમલદાર જાણતો હતો કે એક ઘડીનું રાજ્ય તો મારું હતું, કેમ કે વિશ્વાસ રાખી તે તો આ વેરાન મેદાનમાં બે હજારની સામે એકલો હતો. તે જાણતો હતો કે મને ચિઠ્ઠીથી કેદ કર્યો હોત તોયે હું તેને તાબે થઈ જાત. આવી સ્થિતિમાં હું કેદી હતો એનું મને સ્મરણ કરાવવું અનાવશ્યક હતું. હું લોકોને જે કહેત તે સત્તાધિકારીઓને પણ ઉપયોગી જ વસ્તુ હતી. પણ તેમણે તો પોતાનું રૂપ દેખાડવું જ જોઈએ. મારે આની સાથે એમ કહેવું જોઈએ કે ઘણા અમલદારો અમારી કેદને સમજતા હતા. તેઓ જાણતા હતા કે આ કેદ અમને અંકુશરૂપ કે દુઃખરૂપ ન હતી. અમને તો તે મુક્તિનું દ્વાર હતી. તેથી અમને સર્વ પ્રકારની છૂટ આપતા, એટલું જ નહીં પણ કેદ કરવામાં પોતાની સગવડ સાચવવામાં, વખત બચાવવામાં અમારી મદદ લેતા ને મળવાથી ઉપકાર માનતા. બંને જાતના નમૂના આ પ્રકરણોમાં વાંચનારને મળી રહેશે.

મને તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી છેવટે હેડલબર્ગના થાણામાં ઉતાર્યો. રાત ત્યાં ગઈ.

કાફલાને લઈ પોલાક આગળ વધ્યા. હેડલબર્ગ પહોંચ્યા. ત્યાં હિંદી વેપારીઓની ઠીક જમાવટ હતી. રસ્તે શેઠ અહમદ મહમદ કાછલિયા અને શેઠ આમદ ભાયાત મળ્યા. શું થવાનું છે એની તેઓને ખબર પડી હતી. મારી સાથે જ આવેલા કાફલાને પણ પકડવાની ગોઠવણ થઈ ગઈ હતી. એટલે કાફલાને ઠેકાણે પાડી મિ. પોલાક એક દિવસ મોડા પણ ડરબન જઈ હિંદુસ્તાનની સ્ટીમર લેવા ધારતા હતા, પણ ઈશ્વરે બીજું જ ધાર્યું હતું.

હેડલબર્ગમાં લોકોને કેદ કરી લઈ જવાની ખાસ બે ટ્રેન ઊભી હતી. લોકોએ કંઈક હઠ લીધી. 'ગાંધીને બોલાવો. તે કહે તો અમે પકડાઈએ ને ટ્રેનમાં બેસીએ.' આ હઠ ખોટી હતી. જે હઠ ન જ છોડે તો બાજી બગડે. સત્યાગ્રહીનું તેજ ઘટે. જેલ જવું તેમાં ગાંધીનું શું કામ હોય ? સિપાહી કંઈ અમલદારની ચૂંટણી