પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરે ? અથવા એકનો જ હુકમ માનવાની હઠ પકડી શકે ? મિ. ચમનીએ મિ. પોલાકની અને કાછલિયા શેઠની મદદ આ લોકોને સમજાવવામાં લીધી. તેઓ મુસીબતે સમજાવી શકયા કે યાત્રાળુની મુરાદ જ જેલ જવાની હતી : અને જ્યારે સરકાર પકડવા તૈયાર થાય ત્યારે લોકોએ તેનું તેડું વધાવી લેવું જોઈએ. તેમાં જ આપણી ખાનદાની અને લડતનો અંત રહેલાં છે. મારી ઈચ્છા બીજી ન જ હોય, એમ લોકોએ સમજી લેવું જોઈએ. લોકો સમજ્યા અને ટ્રેનમાં બેઠા.

બીજી તરફથી મને કોરટમાં ખડો કરવામાં આવ્યો. ઉપરના બનાવોની મને તે વખતે કશી ખબર ન હતી. મેં કોરટમાં વળી પાછી મુદતની માગણી કરી. મેં બે કોરટે મુદત આપ્યાનું જણાવ્યું. હવે મજલ થોડી જ બાકી રહી છે એ પણ જણાવ્યું; અને માગણી કરી કે કાં તો સરકાર લોકોને પકડે અથવા મને તેમના સ્થાન પર મૂકી આવવા દે. કોરટે મારી અરજી તો ન સ્વીકારી પણ મારી માગણી સરકારને તુરત મોકલી દેવાનું કબૂલ કર્યું. આ વખતે મને તો ડંડી લઈ જવાનો હતો. મારી પર મુખ્ય કામ તો ત્યાં ચાલવાનું હતું તેથી મને તે જ દિવસની ટ્રેનમાં ડંડી લઈ ગયા.

આ તરફ મિ. પોલાકને હેડલબર્ગમાં તો ન પકડયા, એટલું જ નહીં પણ તેની મદદને સારુ તેનો ઉપકાર માન્યો. મિ. ચમનીએ તો એમ પણ કહેલું કે, સરકારનો તેમને પકડવાનો ઈરાદો જ નથી. પણ એ તો મિ. ચમનીના વિચાર. અને તે વખતે તેમને ખબર હતી એટલે સુધી સરકારના વિચાર. સરકારના વિચાર તો ઘડીએ ઘડીએ બદલાય. સરકારે છેવટે નિર્ણય કર્યો કે મિ. પોલાકને હિંદુસ્તાન ન જવા દેવા. અને તેમને અને મિ. કૅલનબૅક જે ખૂબ કામ કરી રહ્યા હતા તેમને પકડવા. એટલે મિ. પોલાકને ચાર્લ્સટાઉનમાં પકડયા. મિ. કૅલનબૅકને પણ પકડયા. બંનેને વૉક્સરસ્ટની જેલમાં પૂર્યા.

મારી ઉપર ડંડીમાં કામ ચાલ્યું. મને નવ મહિનાની જેલ અાપવામાં આવી. હજુ વૉક્સરસ્ટમાં મારી ઉપર કામ ચાલવાનું બાકી હતું. મને વૉક્સરસ્ટ લઈ ગયા. ત્યાં મેં મિ. કૅલનબૅક તેમ જ