પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેમ વલંદા દુનિયામાં પોતાનો ફેલાવો કરવાને સારુ સારી સારી જમીનો શોધી રહ્યા હતા તેમ જ અંગ્રેજોનું હતું, ધીમે ધીમે અંગ્રેજો પણ આવ્યા. અંગ્રેજ અને ડચ પિત્રાઈ તો છે જ. બંનેના ખવાસ એક, લોભ એક. એક જ કુંભારનાં માટલાં ભેગાં થાય ત્યારે કોઈક કૂટે પણ ખરાં, તેમ આ બંને કોમ પોતાનો પગપેસારો કરતાં કરતાં અને ધીમે ધીમે હબસીઓને વશ કરતાં કરતાં ભેટી પડી. તકરારો થઈ, લડાઈઓ પણ થઈ. મજુબાની ટેકરીમાં અંગ્રેજો હાર્યા પણ ખરા. આ મજુબાનો ડાઘ રહી ગયો અને તેમાંથી પાકીને જે ગૂમડું થયું હતું તે સન ૧૮૯૯થી ૧૯૦ર સુધી જે જગપ્રસિદ્ધ લડાઈ થઈ ગઈ તેમાં ફૂટ્યું અને જનરલ ક્રોન્જેને જ્યારે લોર્ડ રોબટ્સે વશ કર્યા ત્યારે તે મરહૂમ વિકટોરિયા રાણીને તાર કરી શકયા, 'મજુબાનું વેર લીધું છે.' પણ જ્યારે પહેલી (બોઅર લડાઈ આગળની) કસાકસી આ બંને વચ્ચે થઈ ત્યારે વલંદા લોકોમાંના ઘણા અંગ્રેજની નામની સત્તા પણ કબૂલ કરવા તૈયાર ન હતા તેથી તેઓ દક્ષિણ આફ્રિકાના અંતર પ્રદેશમાં ગયા. એને પરિણામે ટ્રાન્સવાલ અને ઓરેન્જ ફ્રી સ્ટેટની ઉત્પત્તિ થઈ.

આ જ વલંદા અથવા ડચ લોકો એ દક્ષિણ આફ્રિકામાં “બોઅર'ને નામે ઓળખાવા લાગ્યા. તેઓએ પોતાની ભાષા તો જેમ બાળક માતાને સેવે છે તેવી રીતે સેવીને જાળવી રાખી છે. પોતાની સ્વતંત્રતાને પોતાની ભાષાની સાથે અતિશય નિકટ સંબંધ છે એ વાત તેઓના હાડમાં પસરી ગયેલી છે. ઘણા હુમલા થયા છતાં તેઓ પોતાની માતૃભાષાને સાચવી રહ્યા છે. આ ભાષાએ ત્યાંના લોકોને અનુકૂળ આવે એવું નવું સ્વરૂપ પકડયું છે. હોલેન્ડની સાથે પોતાનો નિકટ સંબંધ રાખી નહીં શકયા એટલે જેમ સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષાઓ થઈ છે તેમ ડચમાંથી અપભ્રષ્ટ ડચ બોઅર લોકો બોલતા થઈ ગયા. પણ હવે તેઓ પોતાનાં બાળકો ઉપર બિનજરૂરી બોજો મૂકવા નથી ઈચ્છતા તેથી તેઓએ આ પ્રાકૃત બોલીને સ્થાયી રૂપ આપ્યું છે અને તે 'ટાલ' નામે ઓળખાય છે. તેમાં જ ત્યાંનાં પુસ્તકો લખાય છે. બાળકોની કેળવણી તેમાં અપાય છે, અને ધારાસભામાં બોઅર સભાસદો 'ટાલ' ભાષામાં જ પોતાનાં ભાષણો આપે છે.