પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રર. કસોટી

સોનાની પારખ કરનાર ચોક્સી હમેશાં સોનાને કસોટી ઉપર ઘસે છે. વળી વધારે પરીક્ષા કરવા તેને ભઠ્ઠીમાં નાખે છે, તેને ટીપે છે, મેલ હોય તો કાઢી નાખે છે ને છેવટે તેનું કુંદન બનાવે છે. એવી જ કસોટી હિંદીઓની થઈ; ટિપાયા, ભઠ્ઠીમાં પડયા, તવાયા ને જ્યારે કસ સાચો ઊતર્યો ત્યારે જ તેની કિંમત અંકાઈ.

યાત્રાળુઓને ખાસ ગાડીમાં મૂક્યા તે કંઈ તેમને ઉજાણીએ મોકલવાને ખાતર નહીં પણ એરણે ચડાવવા. રસ્તામાં તેઓને સારુ ખાવાનો પણ બંદોબસ્ત ન હતો. નાતાલમાં પહોંચ્યા કે તરત તેઓની ઉપર કામ ચાલ્યું; તેઓને જેલ મળી. આટલું તો ધારેલું જ હતું આટલું ઈચ્છતા હતા. પણ હજારોને જેલમાં રાખવા એ તો ખર્ચ વધારવું અને હિંદીઓને મનગમતું કરવાનું થયું ગણાય, ને કોલસાની ખાણો વગેરે બંધ રહે. આવી સ્થિતિ લાંબો વખત ચાલે તો પેલો કર રદ કર્યે જ છૂટકો થાય. તેથી યુનિયન સરકારે નવી યુક્તિ શોધી. જ્યાં જ્યાંથી ગિરમીટિયા ભાગ્યા હતા તે તે જગ્યાઓને જ તેણે એક નવો ધારો રચી જેલ બનાવી, અને તે જેલના દરોગા ખાણોના નોકરોને નીમ્યા. આમ કરી જે વસ્તુનો ત્યાગ મજૂરોએ કર્યો હતો તે જ વસ્તુ સરકારે મજૂરો પાસે બળાત્કારે કરાવી, અને ખાણો ચાલુ થઈ. ગુલામગીરી અને નોકરીમાં તફાવત એ છે કે નોકર નોકરી છોડે તો તેની પર દીવાની દાવો જ મંડાય. જે ગુલામ નોકરી છોડે તો તેને બળાત્કારે પાછો લાવી શકાય. એટલે હવે મજૂરો સંપૂર્ણ ગુલામ થયા.

પણ આટલેથી બસ ન થયું. મજૂરો તો બહાદુર હતા. તેઓએ ખાણોમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી. પરિણામે તેઓને ફટકાના માર સહન કરવા પડયા. ઉદ્ધત માણસો જેઓ એક ક્ષણમાં અમલદાર થઈ બેઠા હતા તેઓએ લાતો મારી, ગાળો ભાંડી અને બીજા અત્યાચારો કર્યા તેની તો કયાંયે નોંધ સરખી નથી રહી. આ બધું ગરીબ મજૂરોએ ધીરજપૂર્વક સહન કર્યું. આવા અત્યાચારોના તારો હિંદુસ્તાન આવ્યા. ગોખલેની ઉપર બધા તારો મોકલવામાં આવતા;