પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને એક દિવસ વિગતવાર તાર ન મળે તો સામે પૂછે. આ તારોનો પ્રચાર તે પોતાની બીમારીના બિછાનેથી કરતા, કેમ કે તેમને એ વેળા સખત બીમારી હતી. પણ દક્ષિણ આફ્રિકાનું કામ પોતે જાતે તપાસવાનો આગ્રહ રાખ્યો; અને તે કામમાં તેમણે ન રાત ગણી, ન દિવસ ગણ્યો. પરિણામે આખું હિંદુસ્તાન ભડકી ઊઠયું, ને દક્ષિણ આફ્રિકાના સવાલે હિંદુસ્તાનમાં પ્રધાનપદ ભોગવ્યું.

આ પ્રસંગ હતો જ્યારે લૉર્ડ હાર્ડિંગે તેમનું પ્રખ્યાત ભાષણ કર્યું, જેણે દક્ષિણ આફ્રિકામાં અને વિલાયતમાં ખળભળાટ કરી મૂકયો. વાઈસરૉયથી બીજાં સંસ્થાનોની જાહેર ટીકા ન થઈ શકે, પણ લૉર્ડ હાર્ડિંગે સખત ટીકા કરી, એટલું જ નહીં પણ તેણે સત્યાગ્રહીઓનો સંપૂર્ણ બચાવ કર્યો, એટલે કે કાયદાના સવિનયભંગને ટેકો આપ્યો. લૉર્ડ હાર્ડિંગના સાહસની કંઈક કડવી ટીકા વિલાયતમાં થઈ ખરી, પણ તોયે લોર્ડ હાર્ડિંગે પશ્ચાત્તાપ ન બતાવતાં પોતાના કાર્યની યોગ્યતા જાહેર કરી. આ દૃઢતાની અસર બહુ સારી થઈ.

આ પકડાયેલા, દુ:ખી અને હિંમતવાન મજૂરોને છોડી આપણે ક્ષણભર ખાણોની બહાર નજર કરીએ.

ખાણો નાતાલના ઉત્તર વિભાગમાં આવી. પણ મજૂરોની મોટામાં મોટી સંખ્યા નાતાલના નૈૠત્ય અને વાયવ્ય ખૂણામાં હતી. વાયવ્ય કોણમાં ફિનિકસ, વેરૂલમ, ટોંગાટ ઈત્યાદિ આવે. નૈર્ઋત્યમાં ઈસિવિંગો, અમઝીટો ઇત્યાદિ આવે. વાયવ્ય કોણમાં મજૂરોના પ્રસંગમાં હું સારી પેઠે આવેલો. તેઓમાંના ઘણા મારી સાથે બોઅર લડાઈમાં પણ હતા. નૈર્ઋત્યના મજૂરોના પ્રસંગમાં એટલે સુધી આવ્યો ન ગણાઉં; તેમ એ તરફ મારા સાથીઓ પણ ઘણા થોડા હતા. છતાં જેલની ને હડતાળની વાત વીજળીની જેમ ફેલાઈ. બંને કોણમાં હજારો મજૂરો ઓચિંતા નીકળી પડયા. કેટલાક પોતાનો સામાન વેચી નાખેલો, એમ સમજીને કે લડાઈ લાંબી ચાલશે અને ખાવાનું કોઈ નહીં આપે. મેં તો જેલ જતાં સાથીઓને ચેતવ્યા હતા કે, તેઓ વધારે મજૂરોને હડતાળ પાડતા રોકે. મારી ઉમેદ હતી કે, ખાણના મજૂરોની મદદથી લડાઈ સંકેલી શકાશે. જો બધા મજૂરો એટલે લગભગ સાઠ હજાર માણસો હડતાળ પાડે તો તેઓને પોષવાનું મુશ્કેલ થાય.