પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવ્યા, પણ ટ્રાન્સવાલની સરહદમાં પ્રવેશ કરવા સારુ, નૈર્ૠત્ય-વાયવ્યમાં હડતાળ એ જ ગુનો સમજાયો તે કંઈ કાયદાની રૂએ નહીં પણ સત્તાની. છેવટે તો સત્તા એ જ કાયદો થઈ પડે છે. અંગ્રેજી કાયદામાં એક કહેવત છે કે, 'રાજા કદી કંઈ ખોટું કરતો જ નથી.' સત્તાની અનુકૂળતા એ છેવટનો કાયદો છે. આ દોષ સાર્વભૌમ છે. ખરું જોતાં એમ કાયદાને વીસરવો એ હંમેશાં દોષ જ નથી. કેટલીક વેળા કાયદાને વળગવું એ જ દોષ બની જાય છે. જે સત્તા લોકસંગ્રહ કરે છે અને જે સત્તાની ઉપર મુકાયેલા અંકુશ સત્તાનો નાશ કરનાર બને ત્યારે તે અંકુશનો અનાદર ધર્મ્ય છે અને વિવેક છે. આવા પ્રસંગો કોઈક વાર જ આવી શકે. જ્યાં સત્તા ઘણી વેળા નિરંકુશપણે વર્તે ત્યાં સત્તા લોકોપકારી ન જ હોય. અહીં સત્તાને નિરંકુશ થવાનું કશું કારણ ન હતું. હડતાળ પાડવાનો હક અનાદિ છે. હડતાળ પાડનારાઓને તોફાન તો નહોતું જ કરવું એમ જાણવાનાં સરકારની પાસે પૂરતાં કારણો હતાં. હડતાળનું સખતમાં સખત પરિણામ કેવળ ત્રણ પાઉંડના કરનું રદ થવાપણું હતું, શાંતિપ્રિય લોકોની સામે શાંત ઇલાજો જ યોગ્ય ગણાય. વળી અહીં સત્તા લોકોપકારી ન હતી. સત્તાની હસ્તી ગોરાઓના ઉપકારાર્થે હતી. સામાન્યપણે હિંદીઓની વિરોધી હતી. એટલે આવી એકપક્ષી સત્તાની નિરંકુશતા કોઈ પણ રીતે યોગ્ય કે ક્ષંતવ્ય ન ગણાય.

એટલે મારી મતિ પ્રમાણે અહીં સત્તાનો કેવળ દુરુપયોગ થયો. જે કાર્યસિદ્ધિને સારુ આવો દુરુપયોગ કરવામાં આવે છે તે કાર્ય સિદ્ધ નથી જ થતું. કેટલીક વેળા ક્ષણિક સિદ્ધિ મળતી જોવામાં આવે છે ખરી, સ્થાયી કદી નહીં. દક્ષિણ આફ્રિકામાં તો ગોળીબાર પછી છ માસની અંદર, જે ત્રણ પાઉંડના કરનું રક્ષણ કરવા એ અત્યાચાર થયો, તે જ કર દૂર થયો. અને આમ અનેક વેળા દુ:ખ તે સુખને સારુ હોય છે. આ દુઃખોનો નાદ બધેય સંભળાયો. હું તો એવું માનનારો છું કે, જેમ એક યંત્રમાં દરેક વસ્તુને તેનું સ્થાન હોય છે તેમ દરેક લડતમાં દરેક વસ્તુને તેનું સ્થાન હોય જ છે; અને જેમ કાટ, મળ ઇત્યાદિ યંત્રની ગતિ રોકે છે તેમ કેટલીક વસ્તુ લડતની ગતિ રોકે છે. આપણે નિમિત્તમાત્ર હોઈએ