પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છીએ, તેથી આપણે હમેશાં નથી જાણતા કે શું પ્રતિકૂળ છે ને શું અનુકૂળ છે. એટલે કે આપણને માત્ર સાધન જાણવાનો જ અધિકાર છે. સાધન પવિત્ર હોય તો આપણે પરિણામને વિશે નિર્ભય અને નિશ્ચિંત રહી શકીએ.

આ લડતમાં એમ જોયું કે જેમ લડનારાનું દુ:ખ વધ્યું તેમ લડતનો અંત આગળ આવતો ગયો. અને જેમ દુ:ખીની નિર્દોષતા વધારે સ્પષ્ટ થતી ગઈ તેમ પણ અંત આગળ આવતો ગયો. વળી આ યુદ્ધમાં મેં એમ પણ જેયું કે આવા નિર્દોષ, નિ:શસ્ત્ર અને અહિંસક યુદ્ધમાં અણીને વખતે જોઈતાં સાધનો અનાયાસે આવી રહે છે, ઘણા સ્વયંસેવકો જેને હું આજ લગી જાણતો નથી તેઓએ પોતાની મેળે મદદ કરી. આવા સેવકો ઘણે ભાગે નિ:સ્વાર્થ હોય છે. અનિચ્છાએ પણ તેઓ અદશ્ય રીતે સેવા આપી દે છે. નથી તેની નોંધ કોઈ લેતું, નથી તેને કોઈ પ્રમાણપત્ર આપતું. તેઓનાં આવાં અમૂલ્ય કાર્ય ઈશ્વરી ચોપડામાં જમે થાય છે, એટલું પણ કેટલાક સેવકો તો જાણતા નથી.

દક્ષિણ આફ્રિકાના હિંદીઓ પરીક્ષામાં પાસ થયા. તેઓએ અગ્નિપ્રવેશ કર્યો ને તેમાંથી તેઓ અણિશુદ્ધ નીકળ્યા. કઈ રીતે લડાઈનો અંત શરૂ થયો તે નોખા પ્રકરણમાં તપાસીશું.

ર૩. અંતનો આરંભ

વાંચનારે જોયું હશે કે, જેટલું બળ વાપરી શકાય તેટલું અને જેટલાની આશા રાખી શકાય તેના કરતાં ઘણું વધારે શાંત બળ કોમે વાપર્યું. વાંચનારે એ પણ જોયું હશે કે બળ વાપરનારાનો ઘણો મોટો ભાગ જેની મુદ્દલ આશા ન રાખી શકાય એવા ગરીબ અને કચરાયેલા માણસોનો હતો. વાંચનારને એ પણ યાદ હશે કે ફિનિકસમાંથી બે કે ત્રણ સિવાયના બીજા બધા જવાબદાર કામ કરનારા જેલમાં હતા. ફિનિકસની બહારના રહેનારાઓમાં મરહૂમ શેઠ