પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અહમદ મહમદ કાછલિયા હતા. ફિનિકસમાં વેસ્ટ, મિસ વેસ્ટ અને મગનલાલ ગાંધી હતાં. કાછલિયા શેઠ સામાન્ય દેખરેખ રાખતા હતા. મિસ શ્લેશિન ટ્રાન્સવાલનો બધો હિસાબકિતાબ અને સરહદ ઓળંગનારાઓની દેખરેખ રાખતાં હતાં. મિ. વેસ્ટની ઉપર 'ઈન્ડિયન ઓપીનિયન'નો અંગ્રેજી ભાગ ચલાવવાની અને ગોખલેની સાથે તારવ્યવહાર ચલાવવાની જવાબદારી હતી. પત્રવ્યવહાર જેવાની તો આવે સમયે જ્યારે નવા રંગ ક્ષણે ક્ષણે જામ્યા કરે ત્યારે જરૂર જ શેની પડે ? તારો પત્ર જેવડા લાંબા મોકલવા પડતા હતા. આ ઝીણી જવાબદારીનું કામ મિ. વેસ્ટને કરવું પડતું હતું.

હવે ફિનિકસ ન્યૂકૅસલની જેમ વાયવ્ય કોણના હડતાળિયાઓનું કેન્દ્ર થઈ પડયું. સેંકડો ત્યાં આવી સલાહ અને આશ્રય લેવા લાગ્યા. અાથી સરકારની નજર ફિનિકસ તરફ વળ્યા વિના કેમ રહે ? અાસપાસ રહેનારા ગોરાઓની અાંખ પણ લાલ થઈ. ફિનિકસમાં રહેવું કેટલેક અંશે જોખમકારક થઈ પડયું, તેમ છતાં બાળક, છોકરાંઓ પણ હિંમતપૂર્વક જોખમભરેલાં કામ પણ કરી રહ્યાં હતાં. એટલામાં વેસ્ટ પકડાયા. ખરું જોતાં વેસ્ટને પકડવાનુ કશું કારણ નહોતું. સમજૂતી એવી હતી કે વેસ્ટે અને મગનલાલ ગાંધીએ પકડાવાનો એક પણ પ્રયત્ન ન કરવો એટલું જ નહીં, પણ બની શકે ત્યાં લગી પકડાવાના પ્રસંગોને દૂર રાખવા. એટલે વેસ્ટે પકડાવાનું કારણ આપ્યું જ નહોતું. પણ સરકાર કાંઈ સત્યાગ્રહીની સગવડ થોડી જ જોવાની હતી ? અથવા તો પકડવાનો પ્રસંગ પણ તેને થોડો જ શોધવાનો હતો ? સત્તાધીશની અમુક કાર્ય કરવાની ઈચ્છા એ જ તેને સારુ પ્રસંગ છે. વેસ્ટ પકડાયાનો તાર ગોખલેને ગયો, કે તરત તેમણે હિંદુસ્તાનથી બાહોશ માણસો મોકલવાનું પગલું ભરવાનું શરૂ કર્યું, લાહોરમાં જ્યારે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહીઓને મદદ દેવાને સારુ સભા ભરાઈ હતી ત્યારે એન્ડ્રૂઝે પોતાની પાસે રહેલા બધા પૈસા આપી દીધા હતા, અને ત્યારથી જ ગોખલેની નજર તેની ઉપર પડી હતી. એટલે તેમણે વેસ્ટના પકડાવાનું સાંભળતાં જ એન્ડ્રૂઝને તારથી પૂછયું : 'તમે તરત દક્ષિણ આફ્રિકા જવાને તૈયાર છો ?' એન્ડ્રૂઝે જવાબમાં તરત 'હા' લખી. એ જ ક્ષણે તેના પરમ પ્રિય મિત્ર પિયર્સન