પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ તૈયાર થયા અને તે બંને પહેલી સ્ટીમરથી દક્ષિણ આફ્રિકા જવા નીકળી પડયા.

પણ હવે તો લડત પૂરી થવાની અણી ઉપર હતી. હજારો નિર્દોષ માણસોને જેલમાં રાખવાની શક્તિ દક્ષિણ આફ્રિકાની સરકાર પાસે ન હતી. વાઈસરૉય પણ તે સાંખે એમ ન હતું. આખું જગત જનરલ સ્મટ્સ શું કરશે તે જોઈ રહ્યું હતું, આવે સમયે સામાન્ય રાજ્યો જે કરે છે તે દક્ષિણ આફ્રિકાની સરકારે કર્યું. તપાસ તો કશીયે કરવાની ન હતી. થયેલો અન્યાય પ્રસિદ્ધ હતો. એ અન્યાય દૂર કરવાની આવશ્યકતા સૌ કોઈ જોઈ શકતું હતું. જનરલ સ્મટ્સ પણ જોઈ શકતા હતા કે અન્યાય થયો છે અને તે દૂર થવો જેઈએ, પણ તેની સ્થિતિ સર્પ છછુંદર ગળ્યા જેવી હતી. તેણે ઇન્સાફ કરવો જોઈએ, અને ઇન્સાફ કરવાની શક્તિ તે ખોઈ બેઠા હતા, કેમ કે દક્ષિણ આફ્રિકાના ગોરાઓને એમ સમજાવ્યું હતું કે પોતે ત્રણ પાઉંડનો કર રદ અને બીજા સુધારા કરનાર નથી. હવે કર કાઢયે જ છૂટકો રહ્યો અને બીજા સુધારા પણ કર્યો જ છૂટકો. આવી કફોડી સ્થિતિમાંથી નીકળી જવાનું પ્રજામતથી ડરીને ચાલનારાં રાજ્યો હમેશાં કમિશન નીમીને કરે છે. તેની મારફતે માત્ર નામની તપાસ કરવામાં આવે છે, કેમ કે આવા કમિશનનું પરિણામ પહેલેથી જ જણાયેલું હોય છે, અને કમિશને ભલામણ કરી એટલે તેનો અમલ થવો જ જોઈએ એવી સામાન્ય પ્રથા છે, એટલે કમિશનની ભલામણોનો આશ્રય લઈને જે ન્યાય કરવાની રાજ્યોએ ના પાડેલી હોય છે તે જ ન્યાય કરે છે. જનરલ સ્મટ્સના કમિશનમાં ત્રણ સભ્યો નિમાયા. હિંદી કોમે તે કમિશનને વિશે કરેલી કેટલીક શરતોનું પાલન ન થાય ત્યાં સુધી તેનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લીધી. એમાંની એક શરત એ હતી કે, સત્યાગ્રહીને છોડવા, અને બીજી એ હતી કે, કમિશનમાં એક સભ્ય તો હિંદી કોમ તરફથી હોવો જ જોઈએ. પહેલી શરત કેટલેક અંશે કમિશને જ સ્વીકારી લીધી હતી અને સરકારને ભલામણ કરી હતી કે, કમિશનને પોતાનું કામ સરળ કરવા સારુ મિ. કૅલનબૅકને, મિ. પોલાકને અને મને બિનશરતે છોડી દેવા. સરકારે આ ભલામણનો સ્વીકાર કર્યો અને