પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમને ત્રણેને સાથે જ છોડી મૂકયા. અમે ભાગ્યે બે માસની જેલ ભોગવી હશે.

બીજી તરફથી, વેસ્ટને પકડ્યા તો ખરા પણ તેની ઉપર કેસ કરી શકાય એવું કંઈ ન હતું, એટલે તેને પણ છોડી મૂક્યા હતા. આ બનાવો એન્ડ્રૂઝ અને પિયર્સન આવ્યા તેના પહેલાં જ બની ગયા હતા, એટલે તે બંને મિત્રોને હું જ સ્ટીમર ઉપરથી ઉતારી આવેલો હતો. આ બંનેને આ બનાવોની કશી ખબર ન હોવાથી તેઓને સાનંદાશ્ચર્ય થયું. મારી આ બંનેની સાથે પહેલી જ મુલાકાત હતી.

અમને ત્રણેને છૂટતાં નિરાશા જ થઈ. અમને બહારની કશી ખબર ન હતી. કમિશનની ખબરથી આશ્ચર્ય પામ્યા, પણ અમે જેયું કે અમે કમિશનને કશી મદદ કરવા અસમર્થ હતા. કમિશનમાં હિંદીઓની વતી કોઈક પણ માણસ હોવો જોઈએ એમ અવશ્ય જણાયું. આ ઉપરથી અમે ત્રણ જણ ડરબન પહોંચ્યા, ને ત્યાંથી જનરલ સ્મટ્સને કાગળ લખ્યો, તેનો સાર આ હતો :

'અમે કમિશનને વધાવી લઈએ છીએ. પણ તેમાં જે બે સભ્યો જેવી રીતે નિમાયા છે તેની સામે અમને સખ્ત વાંધો છે. તેમની જાત પ્રત્યે કશો વિરોધ નથી. તેઓ જાણીતા અને બાહોશ શહેરી છે. પણ તે બંનેએ ઘણી વેળા હિંદીઓ પ્રત્યેનો પોતાનો અણગમો જાહેર કર્યો છે, એટલે તેઓનાથી અજાણપણે અન્યાય થવાનો સંભવ છે. મનુષ્ય પોતાનો સ્વભાવ એકાએક ફેરવી શકતો નથી. આ બે ગૃહસ્થો પોતાનો સ્વભાવ બદલી નાખશે એમ માનવું કુદરતના નિયમ વિરુદ્ધ છે. છતાં અમે તેઓની બરતરફી નથી માગતા. અમે તો એટલું જ સૂચવીએ છીએ કે, કોઈ તટસ્થ પુરુષોનો તેમાં વધારો થાય અને તે હેતુથી સર જેઈમ્સ રોઝઇનિસ અને ઑન ડબલ્યુ. પી. શ્રાઈનરનાં નામ અમે સૂચવીએ છીએ. આ બંને પ્રખ્યાત વ્યક્તિઓ છે અને તેમની ન્યાયવૃત્તિને સારુ પંકાયેલી છે. અમારી બીજી પ્રાર્થના એ છે કે, બધા સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકવા જોઈએ. જો તેમ ન થાય, તો અમારે પોતાને જેલ બહાર રહેવું મુશ્કેલ થઈ પડે. હવે તેઓને જેલમાં રાખવાનું કારણ રહેતું નથી. વળી જો